સરદાર ભુવનની 46 દુકાનો તોડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.23
નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા આજે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી, જેનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
આ કામગીરી અંતર્ગત નડિયાદના હાર્દ સમાન સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલી 48 જેટલી દુકાનોને તોડી પાડવાનું શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ દુકાનોનું નિર્માણ વર્ષ 1978 માં નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. અંદાજે 46 વર્ષ જૂની આ દુકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને હટાવવાનો નિર્ણય લેવાયો હતો. ડિમોલિશનની મુખ્ય અસર 53 વર્ષ જૂના ઐતિહાસિક ‘સરદાર ભુવન’ પર જોવા મળી રહી છે. સરદાર ભુવનમાં આવેલી દુકાનો ખૂબ જ જૂની અને જોખમી હોવાથી તંત્રએ સુરક્ષાના કારણોસર તેને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ બિલ્ડિંગ સાથે શહેરનો જૂનો ઇતિહાસ જોડાયેલો છે, પરંતુ સમય જતાં તે જર્જરિત બન્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ દુકાનો ખાલી કરવા માટે વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી રહી હતી. જોકે, વેપારીઓ અને તંત્ર વચ્ચે લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી હતી. અંતે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયા બાદ મનપાને ડિમોલિશન માટે લીલી ઝંડી મળી ગઈ હતી.
ડિમોલિશનની અંતિમ પૂર્વતૈયારી રૂપે ગઈકાલે જ મનપા દ્વારા તમામ દુકાનદારોને સામાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રની આ તાકીદના પગલે, વેપારીઓએ ગત મોડી રાત સુધી પોતાની દુકાનોમાંથી માલ-સામાન ખાલી કરવાની કામગીરી કરી હતી, જેથી નુકસાન ઘટાડી શકાય. આજે વહેલી સવારથી જ કોર્પોરેશનની ટીમ ૯ જેટલા જેસીબી મશીનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર આટલી મોટી સંખ્યામાં મશીનરી અને કાફલો જોઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને કાબૂમાં રાખવા અને શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. નડિયાદના મુખ્ય બજાર વિસ્તારમાં થઈ રહેલી આ કામગીરીને કારણે પરિવહન અને સામાન્ય જનજીવન પર પણ અસર પડી હતી. આ મેગા ડિમોલિશન બાદ હવે આ ખાલી થયેલી જગ્યાનો ઉપયોગ શહેરના આધુનિકીકરણ કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેવી રીતે કરવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે.