ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ, તા. 23
ડભોઇ પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી (રીલ)નો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરતો ઇસમ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીના ઘરેથી ચાઇનીઝ રીલ ભરેલા 25 કાર્ટૂન (કિંમત અંદાજે રૂ. 7,000) જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે ડભોઇમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલો વેચનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ડભોઇ પોલીસ દ્વારા ડિસેમ્બર માસથી જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, રીલ અને તુક્કલોનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક તકવાદી ઇસમો ઉતરાયણ દરમિયાન ગેરકાયદે ચાઇનીઝ રીલ વેચીને બેફામ કમાણી કરતા હોય છે અને પોલીસથી બચવા માટે નિતનવા કિમિયા અજમાવે છે—ક્યારેક ગામડામાં માલ ઉતારી પછી શહેરમાં લાવી વેચાણ કરવું, તો ક્યારેક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જથ્થો છુપાવી મોકો મળતા વેચાણ કરવું, જેવા કારનામા કરતા હોય છે, જેની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.વી
આ કાર્યવાહી દરમિયાન રાણીવાળી જીન વિસ્તાર પરથી સુજલકુમાર જગદીશભાઈ રાવળ (ઉંમર 19)ને તેના ઘરેથી જ પ્રતિબંધિત ચાઇનીઝ રીલ નંગ 25 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઉતરાયણ પૂર્વે આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
રિપોર્ટર::સઈદ મનસુરી, ડભોઇ