આશ્રમમાં એક નવો શિષ્ય બધી વાતે ડરતો. ગુરુજીથી ડરતો, કોઈ પણ સવાલ પૂછતાં ડરતો, કોઈ પણ કામ કરતાં ડરતો. સાથી શિષ્યોથી પણ ડરતો અને તેને ડરતો જોઈને બધાં તેને વધુ ડરાવતાં. ગુરુજીની પારખુ નજરોએ જોઈ લીધું કે નવો શિષ્ય ડરે છે એટલે બધા તેને વધુ ને વધુ ડરાવે છે. ગુરુજીએ પોતાના પ્રાર્થના પછીના પ્રવચનમાં કહ્યું, ‘‘આપણે બધા જ એક પ્રકારની જેલમાં રહીએ છીએ!’’ બધાં શિષ્યોને નવાઈ લાગી. એક બટકબોલો શિષ્ય બોલ્યો, ‘‘ગુરુજી, અમે તો તમારા આશ્રમમાં રહીએ છીએ તો શું તમારો આશ્રમ જેલ છે?’’ ગુરુજી બોલ્યા, ‘‘મારો આશ્રમ જેલ નથી પણ આપણે બધાં જ એક જેલમાં ચોક્કસ રહીએ છીએ.’’
એક શિષ્યે પૂછ્યું, ‘‘ગુરુજી, આપણે કઈ જેલમાં રહીએ છીએ?’’ ગુરુજીએ કહ્યું, ‘‘ આપણે બધાં જ આપણા મનમાં રહેલા કોઈક ને કોઈક પ્રકારના ડરની જેલના જેલવાસીઓ છીએ. આપણા મનમાં રહેલો ડર આપણને હંમેશા બંદી બનાવીને રાખે છે.’’ બધાં શિષ્યો વિચારમાં પડી ગયા અને તેમને લાગ્યું કે હા, વાત તો સાચી છે. દરેકના મનમાં કોઈક ને કોઈક વસ્તુનો ડર હોય છે. બધાં શિષ્યોને વિચારમાં જોઈ ગુરુજીએ આગળ કહ્યું, ‘‘ તમે બધાં મારી વાત સાથે સંમત તો હશો જ કે તમારા બધાના જ મનમાં કોઈ ને કોઈ પ્રકારનો ડર ચોક્કસ હોય છે અને આ ડર તમને બંદી બનાવીને રાખે છે.
એ ડરથી તમારે મુક્તિ મેળવવાની જરૂર છે. સાચી જીવન જીવવાની આઝાદી. સાચી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા મનના ડરની બેડીઓને તોડીને આગળ વધો. આ ડર કોઈ પણ હોઈ શકે, ભૂત, પ્રેત, પિશાચનો જ ડર લાગે એવું નથી. રાત્રિના અંધકારનો કે સ્મશાનમાં રહેવાનો ડર લાગે એવી વાત નથી. આ ડર કોઈ નવું કામ કરવાની શરૂઆત કરવાનો પણ લાગે છે. ડર હું સારું કરી શકીશ કે નહીં તે વિચારનો પણ લાગે છે. ડર લાગે છે કે લોકોને હું ગમીશ કે નહીં? દરેકને ડર લાગે છે કે લોકો મને સ્વીકારશે કે નહીં. દરેકને ડર લાગે છે કે મારાથી કોઈ ભૂલ થશે તો? કોઈ હાંસી ઉડાડશે તો? આવા અનેક પ્રકારના નાના નાના ડરથી આપણે બધા જ કેદખાનામાં બંધાઈને રહીએ છીએ.
આ ડરની બેડીઓ આપણને ક્યારેય છોડતી નથી.’’ હંમેશા ડરતાં નવા શિષ્યે કહ્યું, ‘‘ ગુરુજી તમે કહો છો તે પ્રકારના ડરમાંથી તો છૂટવું અશક્ય છે કારણ કે કોઈક ને કોઈક ડર તો મનમાં રહેલો જ હોય છે.’’ ગુરુજી બોલ્યા, ‘‘ આ બધા જ ડરમાંથી છૂટવું જરૂરી છે કારણ કે તમારા મનનો ડર તમને એક કેદી બનાવે છે જ્યારે તમારા જ પોતાના મનના ડરમાંથી મુક્તિ તમને સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે. આ ડરમાંથી મુક્તિ મેળવવા માટે જે વસ્તુનો ડર લાગે છે તે વસ્તુથી દૂર ન ભાગો. તેનો સામનો કરો. આત્મવિશ્વાસ કેળવો. ભલે અસફળ થવાનો ભય હોય છતાં પણ એક વાર સામનો કરીને કાર્ય કરવાની શરૂઆત કરો. હિંમત રાખી આત્મવિશ્વાસ સાથે આગળ વધો.’’ ગુરુજીએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.