શોર્ટ સર્કિટ થતા ફાયર ટીમને મકાન સુધી પહોંચવામાં હાલાકી પડી
(પ્રતિનિધિ) વડોદરા, તા.23
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં નવી ડ્રેનેજ નાખવાના કામમાં ઊંડા ખાડા ખોદી અધૂરું કામ છોડી દેવાતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ખાડાઓ વચ્ચે ગત મોડી રાત્રીએ રામવાડી સરસ્વતી નગરમાં એક મકાનમાં શોર્ટ સર્કિટ થયો હતો. જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી, પરંતુ રસ્તા પર ખોદાયેલા ઊંડા ખાડાઓને કારણે મકાન સુધી પહોંચવામાં ઘણો સમય લાગી ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીનો મુખ્ય અવરજવરનો રસ્તો ખોદી રાખવામાં આવ્યો છે, જેથી મકાનમાંથી બહાર નીકળતાં જ ખાડાઓ સામે આવે છે. ફાયર ટીમે મુશ્કેલી વચ્ચે પણ કામગીરી સંભાળી અને આગ પર કાબૂ મેળવ્યો; સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાએ વિસ્તારના લોકોને ભયમાં મૂકી દીધા છે.

નાગરિકોનો સવાલ છે કે આવી પરિસ્થિતિમાં જો મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોની? વિકાસના નામે ચાલતી ગોકળગતિ અને અધૂરી કામગીરીથી જોખમ વધી રહ્યું છે. તંત્ર તાત્કાલિક સુરક્ષિત અવરજવર, યોગ્ય બેરિકેડિંગ અને કામ પૂર્ણ કરશે કે નહીં—એ પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે.
