ધો.10 અને 12ની બોર્ડ પરિક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ :
કોઈપણ પ્રકારના સુધારા બાકી હોય અને પ્રિન્સિપાલ એપૃઅલ આપવાનું બાકી હોય તે કામગીરી 26 ડિસેમ્બર સુધી કરવાની રહેશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષ 2026 માં લેવાનારી ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આગામી 24 તારીખ સુધી મુદત વધારવામાં આવી છે. જ્યારે આવેદનપત્રમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનો બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર રાત્રિના 12 કલાક સુધી અને શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી 30 ડિસેમ્બર સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજયની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 10 -12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી માર્ચ- 2026 ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22 ડિસેમ્બર હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટેની આવેદનપત્રો ભરવાની, આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાની તથા પ્રિન્સીપાલ એપ્રુવલ કરવાની અંતિમ તારીખ રાબેતા મુજબ તારીખ 22 ડિસેમ્બર રહેશે. જ્યારે, ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 2 દિવસ માટે લંબાવીને તારીખ 24 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બરના રોજ રાત્રીના 12 કલાક સુધીની રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર સુધી ભરી શકાશે.