રાજ્યપાલની મુલાકાત દરમિયાન ગતિ અવરોધક દૂર કરાયા હતા, સ્થાનિક રહીશો માટે જોખમ વધ્યું
🔹 ખર્ચ અને સમયનો વ્યર્થ વ્યય, તાત્કાલિક પુનઃ સ્થાપનની લોક માંગ
કાલોલ :
ગુજરાત રાજ્યના રાજ્યપાલની ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમજ હાલોલ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત પૂર્વે તંત્ર દ્વારા ગોધરા–હાલોલ હાઈવે પરથી ગતિ અવરોધક બમ્પ હટાવી દેવામાં આવ્યા હતા. વીઆઈપી મહેમાનોની અવરજવર દરમિયાન વારંવાર હાઈવે પરથી બમ્પ દૂર કરવામાં આવે છે અને મુલાકાત પૂર્ણ થયા બાદ ફરી નવા બમ્પ લગાવવામાં આવે છે, જેના કારણે સરકારી નાણાં અને સમય બંનેનો વ્યર્થ વ્યય થતો હોવાનું સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બમ્પ હટાવવાના કારણે ત્રણ રસ્તા અને ચાર રસ્તા નજીકની સોસાયટીઓના રહીશો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. ગતિ અવરોધક ન હોવાના કારણે વાહનો બેફામ ઝડપે પસાર થાય છે, જેના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ છે. વીઆઈપી સવારી હાઈટેક અને આરામદાયક વાહનોમાં પસાર થતી હોવાથી તેમને બમ્પની અસરો અનુભવાતી નથી, પરંતુ સામાન્ય નાગરિકોને રોજિંદા જોખમનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે કોઈ ગંભીર અકસ્માત બને તે પહેલાં તંત્ર દ્વારા ગતિ અવરોધક બમ્પ તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવે અને વીઆઈપી વ્યવસ્થા સાથે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે.