વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી નહીં
🔹 બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી
પાદરા:;
પાદરા તાલુકાના છેવાડે ઢાઢર નદીના કિનારે આવેલી વણછરા ગામની પ્રાથમિક શાળામાં આજે વાલીઓ અને ગ્રામજનોએ ભારે સૂત્રોચાર સાથે શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મનાલીબેન જોશી દ્વારા બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવું, વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત અને અયોગ્ય વર્તન કરવું તેમજ સહશિક્ષકો અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બાબતે તાલુકા કક્ષાથી લઈ જિલ્લા કચેરી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં લાંબા સમયથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અંતે આજે વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢી શાળા પર તાળું મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વિરોધમાં ગામના સરપંચ નિલેશસિંહ પરમાર, ઉપસરપંચ અજીતસિંહ જાદવ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના પ્રમુખ નરેન્દ્રભાઈ પઢિયાર, વાલીઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષિકા મનાલીબેન જોશીની બદલી કરવામાં નહીં આવે અને તેમના સ્થાને અન્ય યોગ્ય શિક્ષિકાની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શાળાની તાળાબંધી ચાલુ રહેશે. આ ઘટનાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
📌 બોક્સ : ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ શું કહે છે?
અજીતસિંહ જાદવ – ઉપસરપંચ, વણછરા :
“છેલ્લા છ મહિનાથી શિક્ષણ વિભાગમાં લેખિત અને મૌખિક રીતે ફરિયાદો કરી છે. વિદ્યાર્થીઓના સિલેબસમાંથી પાઠ છોડવામાં આવે છે અને આખો દિવસ હેન્ડ્સફ્રીમાં સમય પસાર થાય છે. જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે તાળાબંધી કરવાની ફરજ પડી.”
નિલેશસિંહ પરમાર – સરપંચ, વણછરા :
“વિદ્યાર્થીઓ કંઈ પૂછે તો ઉદ્ધત જવાબ આપવામાં આવે છે. ટીપીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૨૦ દિવસનો સમય માગવામાં આવ્યો હતો, પરંતુ ૨૫ દિવસ બાદ પણ કોઈ પગલું ન લેવાતા આજે શાળા બંધ કરવાની નોબત આવી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, જે વાલીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે.”