


વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન બુધવારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સામે ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વર્ષોથી અહીં રહેતા એક પરિવારે પોતાની માલિકીની જગ્યા હોવાનું જણાવી પાલિકાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે પરિવારના સભ્યો જેસીબી મશીન સામે બેસી ગયા હતા અને એક યુવક તો જેસીબીના ટાયર નીચે સૂઈ જઈ આત્મઘાતી પ્રયાસ કરતો હોવાની સ્થિતિ સર્જાઈ હતી.
મકરપુરા ડેપો નજીક આવેલી જગ્યામાં દબાણ દૂર કરવા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી. કામગીરી શરૂ થતાં જ ત્યાં રહેતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો દાવો છે કે તેઓ વર્ષ 1979થી આ જગ્યાએ રહે છે અને અહીંથી જ પોતાનો વ્યવસાય ચલાવી ગુજરાન ચલાવે છે. પાલિકાએ અગાઉ આપેલી નોટિસ બાદ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને આગામી 29 તારીખે સુનાવણી નક્કી છે. તેમ છતાં કોઈ સ્પષ્ટ કોર્ટ ઓર્ડર વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે.
ઘટનાની જાણ થતાં દબાણકર્તાના વકીલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વકીલે અધિકારીઓને કોર્ટમાં કેસ વિચારાધીન હોવાનું જણાવી લેખિત ઓર્ડરની માંગ કરી હતી. બીજી તરફ પાલિકાના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરના સીધા આદેશ હોવાનું કહી બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. વકીલ દ્વારા પાલિકાના લીગલ ડિપાર્ટમેન્ટ સાથે ફોન પર ચર્ચા કરવામાં આવી, જેમાં કોર્ટની આગામી તારીખ સુધી શક્ય તે કરવા પ્રયાસ કરાશે તેવી વાત કરવામાં આવી હતી.
પરિસ્થિતિ વધુ તંગ બનતા લોકોનું ટોળું એકઠું થયું હતું અને પોલીસે મોરચો સંભાળ્યો હતો. જેસીબીના ટાયર નીચે સૂઈ જનાર યુવક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારે વોર્ડ ઓફિસર પર અંગત અદાવત રાખી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને મકરપુરા વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

‘અમને મારી નાખો, પછી તોડો’
પરિવારજનોએ જેસીબી મશીન સામે ધરણા કરી કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. એક સભ્યે આક્રોશ વ્યક્ત કરતાં જેસીબીના ટાયર નીચે સૂઈ જઈ કહ્યું હતું,
“અમારા નાના બાળકો છે અને આ અમારો એકમાત્ર રોજગાર છે. જો ઘર અને ધંધો તોડી નાખશો તો અમે જઈશું ક્યાં? અમને પહેલા મારી નાખો, પછી તોડો.”
કોર્ટમાં કેસ હોવા છતાં કાર્યવાહીનો આક્ષેપ
પરિવારનો દાવો છે કે મામલો કોર્ટમાં વિચારાધીન છે અને 29 તારીખે સુનાવણી નક્કી છે. તેમ છતાં કોઈ લેખિત ઓર્ડર વિના પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. વકીલની દખલ બાદ પણ સ્થળ પર તણાવપૂર્ણ માહોલ યથાવત રહ્યો હતો.