માત્ર 7 વર્ષની માસૂમ ઉંમરે દીકરીને દીક્ષા અપાવવા તલપાપડ થયેલી માતાને સુરતની ફેમિલી કોર્ટે લપડાક આપી છે. કોર્ટે માતાને આદેશ કર્યો છે કે સાત વર્ષની દીકરીને દીક્ષા નહીં અપાવવામાં આવે તે મુજબની એફિડેવિટ માતાએ કોર્ટ સમક્ષ કરવાની રહેશે. કોર્ટના આ આદેશને પગલે હાલ પૂરતો 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મામલામાં સ્ટે લાગુ પડી ગયો છે.
આ કેસની મળતી વિગત અનુસાર સુરતની 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા તેની માતા આતુર હતી, પરંતુ પિતા નાની વયે દીકરીને દીક્ષા અપાવવાના વિરોધમાં હતો. સાત વર્ષ પહેલાં આ મામલે વિવાદ શરૂ થયો હતો. માતા દીકરીને લઈ પિયર જતી રહી હતી અને શરત મુકી હતી કે દીકરીને દીક્ષા માટે મંજૂરી આપે તો જ સાસરે પરત ફરશે.
બીજી તરફ પિતા પણ મક્કમ હતા. તેઓ આ મામલાના સુરત ફેમિલી કોર્ટમાં ઢસડી ગયા હતા. જ્યાં પિતાની જીત થઈ છે. કોર્ટે આ મામલે માતાને ખુલાસો કરવા આદેશ કર્યો છે. તેમજ દીક્ષાની કોઈ પણ પ્રક્રિયા આગળ ન વધારવા આદેશ કર્યો છે. માતાએ તે અંગેનું એફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે.
માતાએ પણ કેટલાંક પુરાવા કોર્ટમાં રજૂ કર્યા
કાયદાકીય જંગ દરમિયાન પિતાએ દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના તેમની દીકરીની દીક્ષા નક્કી કરાઈ છે પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાંક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરી પિતાના દાવાને ખોટા ઠેરવ્યા હતા.
માતાએ દલીલ કરી હતી કે 4 ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા બાળકીને લઈ જવાઈ હતી, ત્યારે તેના પિતા અને તેના પરિવારના તમામ સભ્યો હાજર હતા. તે ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે. માતાએ દાવો કર્યો કે પિતાને દીક્ષા મામલે જાણકારી હતી અને તેમની સહમતિથી જ આગળ વધ્યા હતા.
દીક્ષા હાલ પૂરતી મોકૂફ
સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફસાયું છે. હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.