અમેરિકામાં જેફરી એપ્સટિન ટ્રાફિકિંગ કેસ સાથે સંબંધિત લાંબા સમયથી છુપાયેલા વિંછીના દાબડા જેવા દસ્તાવેજો આખરે જાહેર થવા લાગ્યા છે. આ એક એવો કેસ છે, જેણે લગભગ બે દાયકાથી અમેરિકન રાજકારણ અને ન્યાય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ દસ્તાવેજોમાં દુનિયાની અનેક જાણીતી હસ્તીઓ દ્વારા કરવામાં આવેલા વિકૃત જાતીય ગુનાઓની ચોંકાવનારી તસવીરો છે.
શુક્રવારે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપ્સટિન તપાસ સંબંધિત રેકોર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ફાઇલોના પ્રકાશનથી આ સેક્સ ટ્રાફિકિંગના ગુના વિશે ઘણાં છુપાયેલાં સત્યો બહાર આવવાની અપેક્ષા છે. આ ફાઇલોમાં તપાસ સંબંધિત ફોટોગ્રાફ્સ, કોલ લોગ્સ, ગ્રાન્ડ જ્યુરી જુબાની અને ઇન્ટરવ્યુની ટ્રાન્સક્રિપ્ટનો સમાવેશ થાય છે. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે સ્પષ્ટતા કરી કે નિર્ધારિત સમયમર્યાદામાં બધા દસ્તાવેજો જાહેર કરવામાં આવશે નહીં.
હાલમાં લાખો રેકોર્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે અને આગામી અઠવાડિયામાં વધુ જાહેર કરવામાં આવશે. લોકો જાણવા માંગે છે કે શું એપ્સ્ટેઇનના શ્રીમંત અને શક્તિશાળી સંબંધીઓ તેના ગુનાઓ વિશે જાણતા હતા કે કોઈ રીતે તેમાં સંડોવાયેલા હતા. ખાસ કરીને ૨૦૦૮ માં પ્રારંભિક તપાસ અચાનક કેમ બંધ કરવામાં આવી તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. એપ્સટિનના પીડિતો વર્ષોથી જવાબ માંગી રહ્યા છે કે ગુનેગારોને કેમ રક્ષણ આપવામાં આવ્યું.
જેફરી એપ્સટિનની તપાસ ૨૦૦૫ માં ફ્લોરિડાના પામ બીચમાં શરૂ થઈ હતી, જ્યારે ૧૪ વર્ષની છોકરીના જાતીય શોષણની ફરિયાદ સામે આવી હતી. FBI તપાસમાં ઘણી સગીર છોકરીઓ તરફથી જુબાની મળી હતી, પરંતુ એપ્સટિનને એક સોદો ઓફર કરવામાં આવ્યો હતો, જેનાથી તે ફેડરલ કાર્યવાહીથી બચી ગયો હતો. બાદમાં, ૨૦૧૯ માં તેના પર ફરીથી માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની ધરપકડના એક મહિના પછી તેણે જેલમાં આત્મહત્યા કરી હતી.
તેની સાથી ઘિસ્લેન મેક્સવેલને દોષિત ઠેરવવામાં આવી હતી અને તે ૨૦ વર્ષની સજા ભોગવી રહી છે. એપ્સટિનના મૃત્યુની તપાસમાં આનો પણ સમાવેશ થાય છે. નવા દસ્તાવેજો જેલ વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડી શકે છે. આ ફાઇલોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પોપ સ્ટાર માઈકલ જેક્સન, અભિનેતા ક્રિસ ટકર અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ જેવી અગ્રણી વ્યક્તિઓના ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે.
રિલીઝ થયેલી તસવીરોમાં બિલ ક્લિન્ટનને મહિલાઓ સાથે સ્વિમિંગ પુલમાં પાર્ટી કરતાં દર્શાવવામાં આવ્યા છે. પહેલા ચાર સેટ એકસાથે રિલીઝ કરવામાં આવ્યા હતા, જ્યારે પાંચમો સેટ પણ થોડા કલાકો પછી રિલીઝ કરવામાં આવ્યો હતો. કુલ મળીને ૩,૫૦૦ થી વધુ ફાઇલો જાહેર કરવામાં આવી છે, જેમાં ૨.૫ GB થી વધુ ડેટા છે. દસ્તાવેજોના પહેલા સેટના રિલીઝથી અમેરિકન રાજકારણમાં ધમધમાટ શરૂ થયો છે. જાહેર કરાયેલી ફાઇલોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ખૂબ જ મર્યાદિત દેખાય છે, જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના ફોટા મુખ્ય છે.
પ્રકાશિત ફોટોગ્રાફ્સમાં ક્લિન્ટન એક ખાનગી વિમાનમાં દેખાય છે, જેમાં તેમની બાજુમાં બેઠેલી મહિલાનો ચહેરો ઢંકાયેલો છે. તેમાં સ્વિમિંગ પુલ અને હોટ ટબમાં તેમના ફોટોગ્રાફ્સ પણ સામેલ છે. કેટલાક ફોટોગ્રાફ્સમાં ક્લિન્ટન જેફરી એપ્સટિનની નજીકની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ સાથે દેખાય છે. જેફરી એપ્સટિન એક દોષિત જાતીય ગુનેગાર હતો, જેના પર સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવાનો અને પ્રભાવશાળી લોકો સાથે સંબંધો રાખવાનો ગંભીર આરોપ હતો. આ કારણોસર એપ્સટિન ફાઇલ્સને અમેરિકન ઇતિહાસની સૌથી સંવેદનશીલ અને હાઇ-પ્રોફાઇલ તપાસમાંની એક માનવામાં આવે છે.
અત્યાર સુધી જાહેર થયેલા દસ્તાવેજો અને તસવીરોમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ સામે આવી છે. આમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પોપ સ્ટાર માઈકલ જેક્સનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ તેમની પત્ની સારાહ ફર્ગ્યુસન સાથે જોવા મળે છે. અમેરિકન ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે, હોલીવુડ અભિનેતા કેવિન સ્પેસી અને ક્રિસ ટકર, તેમજ અબજોપતિ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન પણ તસવીરોમાં જોવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેમણે ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં એપ્સટિન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. નવી પ્રકાશિત થયેલી તસવીરોમાં ઘણા દેશોના પાસપોર્ટ અને ઓળખકાર્ડ બતાવવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગની વ્યક્તિગત વિગતો છુપાવવામાં આવી છે.
યુક્રેન અને રશિયા જેવા દેશોના દસ્તાવેજો સહિત ઘણા દસ્તાવેજોની તસવીરો સ્ત્રી તરીકે ચિહ્નિત થયેલી છે અને ઓળખ છુપાવવા માટે ઘણા ચહેરાઓને ઝાંખા કરવામાં આવ્યા છે. અન્ય તસવીરોમાં નોઆમ ચોમ્સ્કી એપ્સટિન સાથે વિમાનમાં બેઠેલા દેખાય છે અને બિલ ગેટ્સ એક મહિલાની બાજુમાં પોઝ આપતા હોય છે, જેનો ચહેરો ઝાંખો છે. ફિલ્મ નિર્માતા વુડી એલન અને ટ્રમ્પના ભૂતપૂર્વ વ્યૂહરચનાકાર સ્ટીવ બેનનની છબીઓ પણ સામેલ છે, જે બંને અગાઉ પ્રકાશિત થયેલા ફોટોમાં પણ દેખાયા હતા. ફોટોના તાજેતરના બેચમાં કોઈ પણ દ્વારા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાતી નથી.
આ તસવીરોમાં છ મહિલાઓ સાથે ઊભા રહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો બતાવવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા એપ્સટિનની નજીક માનવામાં આવતા હતા. જો કે પાછળથી એપ્સટિન પર સેક્સ ટ્રાફિકિંગનો આરોપ લાગ્યા બાદ તેમણે તેમનાથી દૂરી બનાવી લીધી હતી. આ ફોટામાં સ્ટીવ બેનન, બિલ ગેટ્સ, રિચાર્ડ બ્રેન્સન, હાર્વર્ડના ભૂતપૂર્વ પ્રમુખ લેરી સમર્સ અને વકીલ એલન ડેરશોવિટ્ઝ જેવાં નામો પણ છે. બીજા ફોટામાં ડોનાલ્ડ ટ્રમ્પના રમૂજી કાર્ટૂન સાથે એક બાઉલમાં કોન્ડોમ છે, જેની નીચે લખ્યું છે કે હું ખૂબ જ ખુશ છું!
આ શબ્દો નીચે એક સાઇન છે, જેના પર ટ્રમ્પ કોન્ડોમ $ ૪.૫૦ લખેલું છે. બિલ ક્લિન્ટને અગાઉ એપ્સટિનના ખાનગી જેટમાં મુસાફરી કરવાની વાત સ્વીકારી હતી, પરંતુ તેઓ કહે છે કે તેઓ એપ્સટિનના ગુનાઓથી અજાણ હતા. પ્રિન્સ એન્ડ્રુએ એપ્સટિન સાથેના સંબંધો પછી તેમનો શાહી દરજ્જો અને વિશેષાધિકારો ગુમાવ્યા હતા. જો કે તેમણે આરોપોને નકારી કાઢ્યા છે. એક સ્ક્રીનશોટમાં એક ટેક્સ્ટ મેસેજનો એક નાનો ભાગ બતાવવામાં આવ્યો છે, જેમાં એક અજાણ્યો યુવક છોકરીઓની ભરતી વિશે વાત કરતો દેખાય છે કે મારી એક સ્ત્રીમિત્ર છે, જે સ્કાઉટ છે. તેણે આજે મને કેટલીક છોકરીઓ મોકલી છે, પરંતુ તે દરેક છોકરી માટે ૧,૦૦૦ ડોલર માંગી રહી છે.
રિપબ્લિકન કાયદા ઘડનારાઓની એક સમિતિએ એપ્સટિન એસ્ટેટમાંથી મેળવેલા હજારો દસ્તાવેજો પહેલાથી જ જાહેર કર્યા છે. એપ્સટિને દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રાથમિક ફરિયાદી વર્જિનિયા ગિફ્રે સાથે કલાકો વિતાવ્યા હતા. એપ્સટિને એમ પણ લખ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ છોકરીઓ વિશે જાણતા હતા, જે ટ્રમ્પના દાવા સાથે જોડાયેલું છે કે તેમણે એપ્સટિનને તેમની ક્લબ માર-એ-લાગોમાંથી કાઢી મૂક્યો હતો, કારણ કે તે ત્યાં કામ કરતી યુવતીઓને ફસાવી રહ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દસ્તાવેજોમાં ૨૫૪ માલિશ કરનારી મહિલાઓની સાત પાનાંની યાદી સંપૂર્ણપણે બ્લેક આઉટ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલાંક પીડિતોને બચાવવા માટે તેમના વિષયક માહિતી છુપાવવામાં આવી રહી છે.
૨૦૧૯ માં ન્યૂયોર્કની જેલમાં મૃત્યુ પામેલા એપ્સટિનની તપાસ સંબંધિત રેકોર્ડના પ્રકાશનને રોકવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહિનાઓ સુધી લડ્યા હતા. પાછળથી દબાણ હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં આ દસ્તાવેજોના પ્રકાશનને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. શુક્રવાર તેમના પ્રકાશન માટેની અંતિમ તારીખ હતી. આ બાબત અંગે ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે શુક્રવારે ઘણા લાખ દસ્તાવેજો જાહેર કરવામાં આવશે અને આગામી અઠવાડિયાંમાં બીજા ઘણા લાખો દસ્તાવેજો જાહેર કરવામાં આવશે. જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં ભારતના કોઈ પણ નેતાનાં નામો નથી, પણ ભવિષ્યમાં જાહેર થનારા દસ્તાવેજોમાં તેમનાં નામો બહાર આવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.