હમણાં દેશની જીડીપી આંક 8.2 દર્શાવવામાં આવ્યો છે. જો આ સાચું હોય તો ગૌરવ લેવા જેવી વાત છે. દેશની જીડીપી વધે એની અસર દેશના અર્થતંત્ર પર જે રીતે દેખાવી જોઈએ એ રીતે દેખાતી રહી નથી. મોદી સરકાર જે રીતે દેશમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે એ જોતા હવે કોઈપણ પ્રગતિ કે વિકાસના આંક પર લોકોને ભરોસો રહ્યો નથી. વચ્ચે પાકિસ્તાન કરતાં ભારતમાં વધારે ભૂખમરો છે એવો અહેવાલ બહાર પડેલો, જેમ આવા અહેવાલ ગળે નથી ઉતરતા એમ અત્યારના જીડીપીના આંક પણ માથા ઉપરથી જાય છે.
બેરોજગારી વધતી જાય છે, મોંઘવારીના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે. કમોસમે ખેતીની કમર તોડી નાખી છે, દિનપ્રતિદિન દેશને માથે દેવું વધતું જાય છે. દેશની 80 કરોડ જનસંખ્યા પાંચ કિલો રાશન પર નભતી હોય એવા સંજોગોમાં 8.2 નો જીડીપીના ગ્રોથ પર વિશ્વાસ બેસતો નથી… હમણાં જ ગુજરાતમાં માથાદીઠ આવક વધી એવા સમાચાર હતા. બીજી બાજુ ચિત્ર કંઈક અલગ જ કહી રહ્યું છે. ગુજરાતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ હાલ ડચકાં ખાઈ રહ્યાં છે. હજારો રત્ન કલાકારોના સંતાનોની સ્કૂલ ફી સરકાર ભરવા તૈયાર થઈ છે. અડધો અડધ આપઘાતો આર્થિક સંકડામણને કારણે થઈ રહ્યા છે… સરકાર વિકાસનાં ચિત્ર પર રંગ પૂરી રહી છે પણ વિકાસનો એક્સ રે કંઈક જુદું કહી રહ્યું છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે