Charchapatra

મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ

આપણા દેશનાં ઘણાં બધાં મંદિરોમાં વીઆઈપી વ્યક્તિઓ માટે ભગવાનનાં દર્શન  અંગેની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. આ અંગે મંદિરના વ્યવસ્થાપકો  દ્વારા નક્કી કરેલી   ફી પણ વસૂલવામાં આવે છે. ભગવાનનાં દર્શન માટે પણ અમીર અને ગરીબ ભક્ત એવો  ભેદ પાડવામાં આવે તે બિલકુલ બરાબર નથી.  સુપ્રીમ કોર્ટે આ અંગે જણાવ્યું કે વીઆઈપી માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા એ મનસ્વી વ્યવસ્થા છે.

સુપ્રીમ કોર્ટે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું કે મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે પ્રવેશ અંગે કોઈ ખાસ અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ નહીં. આપણા દેશમાં ધાર્મિક સ્થળોએ તહેવારના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.  ભક્તોની સલામતીની પૂરતી  વ્યવસ્થાના અભાવે મંદિરમાં ભાગદોડ મચી  જતી હોય છે. વ્યવસ્થાના અભાવે અનેક ભક્તો મૃત્યુ પામે છે અને કેટલાંક ગંભીર રીતે ઘાયલ પણ થાય  છે.

કોઈ પણ મંદિરમાં વીઆઈપી દર્શન માટે ફી લઈને જે વ્યવસ્થા કરવામાં આવે છે તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની જરૂર છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નિર્ણય લેવામાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.  આ પ્રકારની અલાયદી વ્યવસ્થા એ ભારતના બંધારણમાં નાગરિકોને જે સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે તેનું છડેચોક  ઉલ્લંઘન થાય છે. મંદિરોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં એ ચર્ચાનો વિષય છે. વીઆઈપી દર્શન વ્યવસ્થાથી ભક્તોમાં ભેદભાવની લાગણી જન્મે છે જે યોગ્ય નથી.
નવસારી  – ડૉ. જે. એમ. નાયક  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top