મંદિર વ્યવસ્થાપન મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ, પોલીસ દોડી આવી
ગેરકાયદે રેતી ખનનના ગંભીર આક્ષેપો સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો
સાવલી: સાવલી તાલુકાના વિટોજ ગામમાં મંદિરની ચાવી કોના કબજામાં રાખવી તે મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. મામલો માથાકૂટ સુધી પહોંચતા ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો તથા સાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ ગામમાં શાંતિપૂર્ણ સ્થિતિ હોવાનું જાણવા મળે છે.
વિવાદ બાદ બંને પક્ષો સાવલી પોલીસ મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ગામમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે નાવડીઓ મૂકીને રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર બાબતે સાવલી પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે. પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ વિવાદના સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે બંને પક્ષો સાથે ચર્ચા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.