National

હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ

હરિયાણાના રોહતક જિલ્લામાં આજે 21 ડિસેમ્બર રવિવારે બપોરે 12:13:44 વાગ્યે હળવા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી. અચાનક ધરતી હલવાથી લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો પોતાના ઘરો તથા ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતકથી આશરે 17 કિલોમીટર દક્ષિણપૂર્વમાં, સાંપલા અને ઇસ્માઇલા ગામોની વચ્ચે હોવાનું જણાવાયું છે. ભૂકંપનું અક્ષાંશ 28.78 અને રેખાંશ 76.73 નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 5 કિલોમીટર હોવાથી તેના આંચકા આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ભૂકંપ બાદ લોકોમાં થોડા સમય માટે ડરનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ કોઈ ગંભીર નુકસાન ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3.3 તીવ્રતાનો ભૂકંપ સામાન્ય શ્રેણીમાં આવે છે અને તેનાથી મોટા પાયે નુકસાન થવાની શક્યતા બહુ ઓછી હોય છે.

હરિયાણામાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના દેહરાદૂનથી લઈને હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સુધી ભૂગર્ભમાં એક ફોલ્ટ લાઇન આવેલી છે. જ્યારે ભૂપ્લેટો આ ફોલ્ટ લાઇન પર ખસે છે ત્યારે ટક્કર અને કંપન સર્જાય છે. જેના કારણે હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં વારંવાર હળવા ભૂકંપના આચકા અનુભવાય છે.

Most Popular

To Top