ભારતીય રેલ્વે દ્વારા મુસાફરીના ભાડામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ 26 ડિસેમ્બર 2025થી લાગુ પડશે. રેલ્વેના આ નિર્ણયથી ટૂંકા અંતરની મુસાફરી કરનારા લોકોને ખાસ અસર નહીં થાય પરંતુ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી હવે થોડું વધુ ખર્ચાળ બનશે.
રેલ્વે તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકો, તેમજ માસિક સીઝન ટિકિટ ધરાવતા મુસાફરો માટે કોઈપણ પ્રકારનો ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. સાથે જ સામાન્ય વર્ગમાં 215 કિલોમીટર સુધીની મુસાફરી માટેનું ભાડું પણ યથાવત રહેશે. એટલે કે રોજિંદી મુસાફરી કરનારા લાખો મુસાફરોને રાહત મળશે.
આ નવા નિયમથી જે મુસાફરો લાંબા અંતરની મુસાફરી કરે છે તેમના માટે ભાડામાં થોડો વધારો લાગુ થશે. રેલ્વેની નવી વ્યવસ્થા અનુસાર 215 કિમીથી વધુ અંતર માટે સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર 1 પૈસા વધારાનો ભાડો લેવામાં આવશે. જ્યારે મેલ/એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી અને એસી વર્ગમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરાયો છે.
આ વધારાને સમજીએ તો જો કોઈ મુસાફર 500 કિમીનું અંતર નોન-એસી ટ્રેનમાં કાપે છે. તો તેને અંદાજે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રેલ્વેનું કહેવું છે કે આ વધારો ખૂબ જ મર્યાદિત છે અને મુસાફરો પર ભારે બોજ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
રેલ્વે અધિકારીઓ અનુસાર ભાડામાં આ સુધારાથી ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે રૂ 600 કરોડની વધારાની આવક થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ્વેએ ટ્રેક, કોચ, સલામતી સિસ્ટમ અને સેવાઓમાં મોટા પાયે રોકાણ કર્યું છે. જેના કારણે ખર્ચમાં વધારો થયો છે.
માહિતી મુજબ રેલ્વેનો માનવબળ ખર્ચ રૂ 1.15 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જ્યારે પેન્શન માટે દર વર્ષે રૂ 60,000 કરોડ ખર્ચવામાં આવે છે. કુલ મળીને રેલ્વેનો વાર્ષિક ખર્ચ રૂ 2.63 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
રેલ્વેનું માનવું છે કે ભાડામાં આ નાનો ફેરફાર લાંબા ગાળે મુસાફરોને વધુ સુરક્ષિત અને સારી સેવા આપવા માટે જરૂરી છે. જોકે નિયમિત રીતે લાંબા અંતરની મુસાફરી કરનારા લોકોને હવે પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે વધારાના ખર્ચને ધ્યાનમાં લેવું પડશે.