SURAT

હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજે શનિવાર તા. 20 ડિસેમ્બરનો દિવસ દિવાળી સમાન સાબિત થયો છે. ચાર દિવસના વનવાસ બાદ આખરે તેમનું પોતાના ઘરે પુનરાગમન થયું છે. ચાર દિવસ બાદ પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી છે.

ગઈ તા. 16 ડિસેમ્બરને મંગળવારની રાત્રે 12.30 કલાકે શિવ રેસિડેન્સની પ્રોટેક્શન વોલ અને શેડ તૂટી પડ્યા હતા. બાજુના પ્લોટમાં રાજલક્ષ્મી ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઈટ પર ચાલી રહેલાં ખોદકામના લીધે માટી પોચી થતાં દિવાલનું બાંધકામ કમજોર થતાં તે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં રાજલક્ષ્મી ગ્રુપના બિલ્ડરનો વાંક હોવા છતાં સજા જાણે શિવ રેસિડેન્સીના રહીશોને મળી હતી.

બિલ્ડિંગના બાધકામની મજબૂતાઈ તપાસવા માટે પાલિકાએ શિવ રેસિડેન્સીના તમામ ફ્લેટ ખાલી કરાવી દીધા હતા, જેના લીધે 80 લાખની માલિકીનો ફ્લેટ હોવા છતાં શિવ રેસિડેન્સીના રહીશો ચાર દિવસથી રિફ્યુજી જેવું જીવન વીતાવવા મજબૂર બન્યા હતા. કેટલાંક સગાસંબંધીના તો કેટલાંક હોટલમાં રહેવા ગયા હતા.

સમાચાર માધ્યમો દ્વારા શિવ રેસિડેન્સીના રહીશો સાથે થયેલા અન્યાયના અહેવાલો પ્રસિદ્ધ કરાતા મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જાતે ધુરા સંભાળી હતી અને માટી પુરાણનું કામ ઝડપી કરાવ્યું હતું. રક્ષા અને સમારકામની કામગીરીમાં 15 દિવસનો સમય લાગવાનો અંદાજ હતો, તે માત્ર 24 કલાકમાં રાત-દિવસ એક કરીને પૂર્ણ કરવામાં આવી હતી. આમ, કામ પૂરું કર્યા બાદ આજે ચાર દિવસ બાદ રહીશોને રહેવાની મંજૂરી અપાઈ હતી. જ્યારે ફ્લેટનો કબ્જો મળ્યો હતો અને પહેલીવાર રહેવા ગયા હતા તેના કરતાં વધુ ખુશી આજે થઈ હોવાનું શિવ રેસિડેન્સીના રહીશોએ જણાવ્યું હતું.

રિપોર્ટમાં ગ્રીન સિગ્નલ મળ્યા બાદ રહીશોને રહેવા મંજૂરી અપાઈ
સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા SVNIT ના ટેક્નિકલ એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી. ડો. જીતેશ ચાવડા, ડો. જે.પી. પટેલ (જીઓ ટેક્નિકલ કન્સલ્ટન્ટ), સી.ડી. મોઢેરા અને સોઈલ એક્સપર્ટ એચ.એમ. કોકાણી સહિતના 6 એક્સપર્ટની ટીમે સ્થળ પર જઈ સોઈલ ટેસ્ટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતના કુલ 5 ટેકનિકલ રિપોર્ટ તૈયાર કર્યા હતા. આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડિંગના માળખાને કોઈ નુકસાન થયું નથી અને તે રહેવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આ રિપોર્ટ મળતા જ પાલિકાએ સોસાયટીના પ્રમુખને ટેલિફોનિક જાણ કરી રહેવા જવાની મંજૂરી આપી હતી.

Most Popular

To Top