ગયા વર્ષના વિદ્યાર્થી આંદોલનમાં સામેલ બાંગલા દેશના વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ગુરુવારે રાજધાની ઢાકાના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. તેમના મૃત્યુના સમાચારને કારણે ઢાકામાં ધાનમોન્ડી અને શાહબાગ સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગચંપી થઈ હતી. શરીફ ઉસ્માન હાદીની હત્યાથી બાંગલા દેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. કેટલાંક બાંગલા દેશી નેતાઓ માને છે કે ઉસ્માન હાદીની હત્યામાં ભારતતરફી તત્ત્વોનો હાથ છે, કારણ કે તેમણે શેખ હસીનાના તખતાપલટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બાંગલા દેશી નેતાઓએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
બાંગલા દેશની રાષ્ટ્રીય નાગરિક પાર્ટી (NCP)ના સધર્ન ચીફ ઓર્ગેનાઇઝર હસનત અબ્દુલ્લાએ ચેતવણી આપી હતી કે જો બાંગલા દેશ અસ્થિર થશે, તો ભારતના સેવન સિસ્ટર્સ ઉત્તરપૂર્વીય રાજ્યો અલગ થઈ જશે. તેમણે ભારતીય હાઈ કમિશનરને દેશમાંથી હાંકી કાઢવાની પણ માંગણી કરી હતી. આ નિવેદનથી બંને દેશો વચ્ચે પહેલાંથી જ નાજુક સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા હતા અને ભારત સરકારે દિલ્હીમાં બાંગલા દેશી રાજદૂતને બોલાવીને ભારતીય ઉચ્ચાયોગની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ગયા શુક્રવારે ઢાકામાં એક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે હાદીને ગોળી વાગી હતી. ગોળી તેમના માથામાં ઘૂસી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી તેમને ૧૫ ડિસેમ્બરે સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. બાંગલા દેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન, જમાત-એ-ઇસ્લામી અને નેશનલ સિટીઝન્સ પાર્ટી સહિત વિવિધ પક્ષોના નેતાઓએ હાદીના મરણ પર શોક વ્યક્ત કર્યો છે. ગુરુવારે રાત્રે દેશના અન્ય ઘણા ભાગોમાં પણ દેખાવો અને વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઢાકાની અંદર અને બહાર અનેક જિલ્લાઓમાં ઉસ્માન હાદીનાં સમર્થકો અને વિવિધ રાજકીય અને વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. ચિત્તાગોંગમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ભારતીય સહાયક ઉચ્ચાયુક્તના નિવાસસ્થાન સામે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક પત્રકારોએ અહેવાલ આપ્યો હતો કે ભીડે ભારતના ઉચ્ચાયુક્ત પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત અવામી લીગ સરકારના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન મોહિબુલ હસન ચૌધરી નૌફેલના ઘર પર તોડફોડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ઓગસ્ટમાં, શરીફ ઉસ્માન હાદી બાંગલા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ હિંસક વિદ્યાર્થી આંદોલનના અગ્રણી ચહેરાઓમાંના એક હતા. તેઓ શેખ હસીના વિરોધી ઇન્કલાબ મંચના સભ્ય હતા. તેઓ ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે સંભવિત ઉમેદવાર પણ હતા અને હુમલા સમયે ઢાકા મતવિસ્તાર માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા. ગયા વર્ષે જુલાઈમાં બાંગલા દેશના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઇન્કલાબ મંચ ચર્ચામાં આવ્યું હતું. આ જૂથને એક કટ્ટરપંથી સંગઠન કહેવામાં આવે છે અને તે અવામી લીગને નબળા પાડવાના પ્રયાસોમાં મોખરે રહ્યું છે. વિદ્યાર્થી ચળવળમાં તેની ભૂમિકા હોવા છતાં યુનુસ સરકાર દ્વારા આ ફોરમનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગુરુવારે રાત દરમિયાન ઢાકામાં તોફાની ટોળાંએ અનેક સ્થળોએ હુમલો કર્યો હતો, જેમાં બે અગ્રણી બાંગલા દેશી અખબારોનાં કાર્યાલયોનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે રાત્રે રાષ્ટ્રને સંબોધતાં બાંગલા દેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે લોકોને ધીરજ રાખવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને ઉતાવળમાં નિર્ણયો ન લેવા અપીલ કરી હતી. જો કે, બાંગલા દેશની વચગાળાની સરકારનું ભારત પ્રત્યેનું વલણ બહુ નરમ નહોતું.
બાંગલા દેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને ભારત પર ૧૯૭૧ના મુક્તિયુદ્ધમાં બાંગલા દેશના યોગદાનને સતત ઓછું કરવાનો આરોપ લગાવ્યો હતો. તૌહીદ હુસૈને કહ્યું કે બાંગલા દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિના આ વિજય શક્ય ન હોત. ભારતીય રાજધાની દિલ્હીમાં પણ દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોનો માહોલ રાતોરાત બદલાઈ ગયો હતો.
મંગળવારે સાંજે દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનરના આમંત્રણ પર બંને દેશો વચ્ચેની ઐતિહાસિક મિત્રતાની ઉજવણીના કાર્યક્રમમાં વર્તમાન અને ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીઓ, લશ્કરી અધિકારીઓ અને થિંક ટેન્કના સભ્યોએ હાજરી આપી હતી. બીજા જ દિવસે સવારે દિલ્હીએ બાંગલા દેશના હાઈ કમિશનરને સાઉથ બ્લોકમાં બોલાવ્યા હતા. જો કે ભારત સરકારે જણાવ્યું છે કે હાઈ કમિશનરને બોલાવવાનું મુખ્ય કારણ ઢાકામાં ભારતીય હાઈ કમિશનની આસપાસ કેટલાંક ઉગ્રવાદી જૂથો દ્વારા ઊભો થયેલો સુરક્ષા ખતરો હતો.
મંત્રાલયના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેની પાછળનું બીજું કારણ કેટલાંક બાંગલાદેશી રાજકારણીઓ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલાં ઉશ્કેરણીજનક ભારત વિરોધી નિવેદનો હતાં. મંગળવારે રાત્રે દિલ્હીના ચાણક્યપુરીમાં બાંગલા દેશ હાઈ કમિશન સંકુલમાં આયોજીત વિજય દિવસ સમારોહમાં બાંગલા દેશ હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહે કહ્યું હતું કે ભારત સાથે બાંગલા દેશના સંબંધો ખરેખર ખૂબ જ ઊંડા અને બહુપક્ષીય છે અને સમૃદ્ધ ભૂતકાળની પૃષ્ઠભૂમિમાં તેમની પરસ્પર નિર્ભરતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે આ સંબંધને કુદરતી સંબંધ ગણાવ્યો હતો અને ૧૯૭૧ના યુદ્ધમાં બાંગલા દેશની ધરતી પર સર્વોચ્ચ બલિદાન આપનારા ૧,૬૮૮ ભારતીય સૈનિકોને ઊંડી કૃતજ્ઞતા સાથે યાદ કર્યા હતા.
આ કાર્યક્રમમાં બાંગલા દેશ મુક્તિયુદ્ધમાં ભાગ લેનારાં અનેક ભારતીય સૈનિકો, ભારતીય સેનાના નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર, ભારતીય વિદેશ મંત્રાલયમાં બાંગલા દેશ-મ્યાનમાર વિભાગના વડા બી. શ્યામ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયર, ઢાકામાં કામ કરનારા ચાર ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીઓ અને દિલ્હીના અનેક ટોચનાં પત્રકારો હાજર રહ્યાં હતાં. આ ઘટના પછી તરત જ, રિયાઝ હમીદુલ્લાહે સોશ્યલ મીડિયા પર લખ્યું કે બંને દેશોનાં લોકોની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ ફક્ત પરસ્પર વિશ્વાસ, ગૌરવ, પ્રગતિ, સામાન્ય હિતો અને સહિયારાં મૂલ્યોના આધારે જ સુનિશ્ચિત કરી શકાય છે. પરંતુ રાત્રિ સુધીમાં, વિદેશ મંત્રાલયે હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને સાઉથ બ્લોક બોલાવ્યા હતા.
ભારત સરકારે તેમને કહ્યું કે ભારત માને છે કે બાંગલા દેશમાં સુરક્ષાનું વાતાવરણ ઝડપથી બગડી રહ્યું છે અને તેઓ આ પરિસ્થિતિ અંગે ચિંતિત છે. ખાસ કરીને, તેમનું ધ્યાન એ હકીકત તરફ દોરવામાં આવ્યું હતું કે કોઈ ઉગ્રવાદી જૂથે ઢાકામાં ભારતીય હાઈ કમિશન માટે સુરક્ષા ખતરો ઊભો કરવાની યોજના બનાવી છે. સાઉથ બ્લોકમાં થયેલી બેઠક બાદ બાંગલા દેશ સરકાર તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ બાંગલા દેશનાં રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહના અંતે દિલ્હી અને ઢાકા વચ્ચે શબ્દયુદ્ધ પછી સમન્સ સંપૂર્ણપણે અણધાર્યું નહોતું.
અગાઉ રવિવારે બાંગલા દેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને બોલાવ્યા હતા અને દેશનાં પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાના ભારતમાં રોકાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ બાંગલા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ઉશ્કેરવાના પ્રયાસો અને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને વિક્ષેપિત કરવાની તક પૂરી પાડી શકે છે. બાંગલા દેશમાં જુલાઈ ઓઇક્યા નામના સંગઠને બુધવારે ઢાકામાં ભારતીય હાઇ કમિશન તરફ કૂચનું આહ્વાન કર્યું હતું.
તેનો ઉદ્દેશ હાઇ કમિશનની સામે વિરોધ રેલી યોજવાનો હતો. જો કે, તે જ દિવસે બપોરે બાંગલા દેશી પોલીસે બેરિકેડ ઊભા કર્યા હતા અને વિરોધીઓને અધવચ્ચે જ રોકી દીધા હતા. NCPના વરિષ્ઠ નેતા હસનત અબ્દુલ્લાએ થોડા દિવસો પહેલાં આરોપ લગાવ્યો હતો કે ઉસ્માન હાદીને ગોળી મારનારા બંદૂકધારીઓ ભારત ભાગી ગયા હશે. જો ભારત બાંગલા દેશનાં દુશ્મનોને તેની ધરતી પર આશ્રય આપશે, તો બાંગલા દેશ પણ ભારતવિરોધી શક્તિઓને આશ્રય આપશે અને સેવન સિસ્ટર્સને ભારતથી અલગ કરવાનો પ્રયાસ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.