ભારતદેશની વસ્તી અપાર છે અને આજકાલ 365 દિવસ પ્રજા મુસાફરી કરતી જ હોય છે. સામાન્ય કક્ષાની બોગીમાં ભીડ અનહદ હોવાથી લાંબા અંતરની મુસાફરી હોય તો પ્રજા ( મુસાફરો ) આરક્ષણનો આગ્રહ સેવે એ યથાયોગ્ય વિચાર કહેવાય. રેલવેનું આરક્ષણ લગભગ બે માસ પહેલાં પ્રત્યેક રેલગાડીનું હોય છે. પરંતુ એમાં પણ ‘‘કૌતુક’’ દશ્યમાન થાય છે! સૌ પ્રથમ તો એની ઈન્ટરનેટની સાઈટ સવારે ખૂલે જ નહીં! અને જ્યારે ખૂલે ત્યારે લગભગ દસ જ મિનિટમાં આરક્ષણ કરવા જાય તો નેવું ટકા નિષ્ફળતા જ પ્રાપ્ત થાય! હા, એજન્ટ પાસે કરાવો તો ચોક્કસ વધુ ચાર્જ ચૂક્વીને આરક્ષણ મેળવી શકો ! પાંચ-દસ મિનિટમાં આરક્ષણ બંધ થઈ જાય અને તે પણ આટલી લાંબી રેલગાડીમાં આશ્ચર્ય નહીં તો શું?
બીજું કે વયસ્ક નાગરિકને રાત્રિ મુસાફરીમાં છેક ઉપરની બર્થ આપવામાં આવે! આ કેટલે અંશે યોગ્ય કહેવાય? ઘણી વાર પરિવાર સાથે પ્રવાસ કરવા ઈચ્છે તો અમુક ટિકીટ બીજા કમ્પાર્ટમેન્ટમાં આપવામાં આવે, પછી ભલે સાથે આરક્ષણ
કરાવ્યું હોય. એકલી મહિલા કઈ રીતે બીજા કમ્પાર્ટમેન્ટમાં રાત્રિપ્રવાસ કરી શકે? અરે, નાના બાળકની બર્થ બીજા કમ્પાર્ટમેન્ટમાં આપે ! પ્રત્યુત્તર એમ મળે કે એ તો કમ્પયુટર ટિકીટ એલોટ કરે એટલે એવું થાય હશે ! રેલવેને એની સમસ્યા હોઈ શકે. પણ ઉપર્યુક્ત મુદ્દા પર વિચાર કરી ફેરબદલાવ તો લાવી શકે ને?
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મતદારોનું વેપારીકરણ
અત્યાર સુધી રાજકીય પક્ષો ચૂંટણી સમયે મતદારોને જુદાં જુદાં પ્રલોભનો આપતા હતા. હવે એથીએ આગળ જઇને મતદારોનાં ખાતામાં ડાયરેકટ પૈસા જમા કરાવવા માંડયાં. તો પણ ચૂંટણીપંચ મૌન ધારણ કરી લે છે.આઝાદી મળ્યાને 75 વર્ષ થયાં. હવે તો મતદારો પુખ્ત, વિચારશીલ, કયો પક્ષ અને કયો ઉમેદવાર યોગ્ય છે, એ વિચારીને મતદાન કરતો હોવો જોઈએ. જેનાથી ઉલટું જ થઇ રહ્યું છે. આપણે હવે આપણા મતની કિંમત અને પવિત્રતા સમજીને મતદાન કરવાની સમજદારી કેળવવી જોઈએ. નહિ તો મુરઝાઈ રહેલી લોકશાહીનું શું થશે એ વિચારથી હૃદય દ્રવી ઊઠે છે.
નવસારી –દોલતરાય એમ. ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.