Charchapatra

એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે

આજકાલ લોકો બહોળા પ્રમાણમાં એસ.ટી. બસની મુસાફરી કરી રહ્યાં છે, પરંતુ મુસીબત એ થાય છે કે એસ.ટી.ના ભાડા સુસંગત નથી અને એમાં અસમાનતા જોવા મળે છે. હાલમાં ભાડાનો જે દર ચાલે છે એમાં  ૨૨ રૂપિયા, ૩૯ રૂપિયા, ૪૮ રૂપિયા, ૫૩ રૂપિયા એવી રકમનાં ભાડાં ચાલે છે. આને કારણે કન્ડક્ટર તથા ઉતારુઓ વચ્ચે છૂટા પૈસા બાબતે દરરોજ ઝઘડા થાય છે.

કારણકે કન્ડક્ટર પાસે એટલી સંખ્યામાં છૂટાં પૈસા હોતાં નથી કે ઉતારુઓ પાસે પણ છૂટા પૈસા હોતા નથી. આના કારણે દરરોજ કન્ડક્ટરોને એકાદ બે વ્યક્તિઓ સાથે જીભાજોડી થઈ જાય છે તો ક્યારેક મારામારી સુધીની નોબત આવી જાય છે. અમુક સમયે પેસેન્જરોએ પૈસા જતાં કરવાં પડે છે તો કોઈ વખત કંડકટરોએ ઘરના પૈસા પણ મૂકવા પડે છે. હવે તો મોટા ભાગનાં દરેક પેમેન્ટ સ્કેનર દ્વારા થવા લાગ્યાં છે.

તો શા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટના અધિકારીઓ કુંભકર્ણની નિંદમાં છે અને આ સમસ્યાનો ઉકેલ લાવતા નથી. હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટના અધિકારીઓ પાસે બે જ વિકલ્પ રહે છે કાં તો બસનાં ભાડાં રાઉન્ડ ફિગરમાં રાખવાં જોઈએ કાં બસના કન્ડકટરોને સ્કેનરની સગવડ પૂરી પાડવી જોઈએ. આના કારણે કન્ડક્ટર તથા પેસેન્જર બન્ને વ્યક્તિઓની સમસ્યા દૂર કરવામાં સુગમતા રહેશે.
હાલોલ, પંચમહાલ – યોગેશભાઈ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top