એસ.ઓ.જી.ની ખાસ ઝુંબેશ હેઠળ પાન પાર્લરો પર સઘન ચેકિંગ
ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો કબ્જે, બે સામે ગુનો નોંધાયો
પ્રતિનિધિ | ગોધરા, તા.19
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નશાના સેવન માટે વપરાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધતની સૂચના મુજબ કરવામાં આવી હતી.
ઝુંબેશ અંતર્ગત ગોધરા અને કાલોલ ડિવિઝનમાં આવેલા પાન પાર્લરો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગોધરાના અમદાવાદ રોડ પર શિવમ પાન પાર્લરમાંથી 33 નંગ ગોગો સ્મોકિંગ કોન અને 30 નંગ રોલિંગ પેપર મળી કુલ 63 નંગનો રૂ.795 કિંમતનો પ્રતિબંધિત જથ્થો ઝડપાયો હતો. આ મામલે પાન પાર્લરના સંચાલક ઠાકોરલાલ ગેંદાલાલ ભોઈ વિરુદ્ધ ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
તે જ રીતે કાલોલ શહેરના અલિંદ્રા હાઈવે રોડ પર ચામુંડા પાન સેન્ટરમાંથી 7 નંગ સ્મોકિંગ કોન અને 49 નંગ રોલિંગ પેપર મળી કુલ 56 નંગનો રૂ.805 કિંમતનો પ્રતિબંધિત જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ અંગે પાન સેન્ટરના સંચાલક રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા પ્રતિબંધિત નશાકારક સામગ્રીના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.