વર્ષ 2025ને અલવિદા કહી નવા વર્ષ 2026ને આવકારવા થનગનાટ કરી રહેલાં યુવાન સુરતીઓ માટે ખાસ સમાચાર છે. ફાર્મ હાઉસ પર ખાવાપીવાની પાર્ટી કરવાનું પ્લાનિંગ માંડી વાળજો. કારણ કે આ વખતે તા. 31મી ડિસેમ્બરે સુરત પોલીસ ડ્રોન ઉડાવીને ફાર્મ હાઉસની પાર્ટીઓ પર નજર રાખવાની છે.
- દારૂ, હુક્કાની પાર્ટી કરનારાઓને પકડવા માટે સુરત પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
- સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ ફાર્મ હાઉસ અને ઓપન પ્લોટ પર ડ્રોનથી નજર રાખશે
આ વર્ષે સુરત પોલીસ દારૂ અને હુક્કા પાર્ટીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે. સુરતના સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવાની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, શહેરના આસપાસના વિસ્તારોમાં આવેલા લક્ઝરી ફાર્મ હાઉસ અને ઓપન પ્લોટ પર થતી ખાનગી પાર્ટીઓ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. ચારે બાજુ ઊંચી દિવાલ કે જંગલ વિસ્તારમાં હુક્કાના કસ અને દારૂના પેગ મારનારાઓને પોલીસ કેમેરાની મદદથી શોધી કાઢશે.
શહેરના ડુમસ, વેસુ, અડાજણ અને હાઈવે પરના ફાર્મ હાઉસ, વાડીઓ પાસે ડ્રોન ઉડાવી ચેકિંગ કરાશે. જ્યાં પણ હુક્કાના ધુમાડા ઉઠતા હશે ત્યાં રેઈડ પાડી નશાખોરોને ઝડપી લેવાશે.