સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનનો પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. સુરત એસીબી દ્વારા પ્રવિણસિંહ જાડેજાની સંપત્તિની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે.
આ કેસની મળતી વિગત અનુસાર સુરત ગ્રામ્યના કીમ પોલીસ મથકની હદમાં એક મહિના પહેલાં હની ટ્રેપનો એક કિસ્સો બન્યો હતો. આ કેસમાં ત્રણ ઈસમોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કીમ પીઆઈ પ્રવિણસિંહ હરનાથસિંહ જાડેજા પાસે હતી.
તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી છોડી દેવા અને ગુનામાં ગુજસીટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ રમણીક ગોંડલીયા મારફતે આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. છેલ્લે 3 લાખમાં સોદો નક્કી થયો હતો.
એસીબીએ છટકું ગોઠવી વકીલ ચિરાગ ગોડલીયા મારફત જ્યારે 3 લાખ સ્વીકારાયા ત્યારે જ એસીબીએ પીઆઈ પ્રવિણસિંહ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયાને ઝડપી લીધા હતા.
. એસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી 90 હજારની જ્વેલરી મળી આવી છે. જોકે, એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે. પીઆઈના કીમ ખાતેના નિવાસસ્થાન અને તેમના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો ખંગાળવામાં આવી રહી છે.