SURAT

શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી

શહેરનાં પોશ વિસ્તાર ગણાતાં ભીમરાડ ખાતે મંગળવારની રાત્રે નિર્માણાધીન બ્રાઈટસ્ટોન કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડવાની દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા બાજુમાં આવેલ શિવ રેસિડેન્સીમાં વસવાટ કરતાં પરિવારોને તકેદારીનાં ભાગરૂપે ફ્લેટ ખાલી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. જેને પગલે દુર્ઘટનાને પગલે વિવાદમાં આવેલ બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટનાં સંચાલકો દ્વારા ફ્લેટ હોલ્ડરોને રહેવા માટે હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

અલબત્ત, જે સ્થળે માટી ઘસી પડવાને કારણે હોનારત સર્જાઈ હતી ત્યાં સમારકામની કામગીરી ચાલુ કરતાં ગેસ અને પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આજે સવારથી શિવ એપાર્ટમેન્ટનાં અન્ય રહેવાસીઓએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરતાં મામલો તંગ બન્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત
ઉચ્ચાધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને સ્થાનિકોને સમજાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ભીમરાડ ખાતે બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ડી વોલમાં ભંગાણ પડતાં બાજુમાં આવેલા શિવ રેસીડેન્સીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી. પાર્કિંગ માટે બનાવવામાં આવેલા શેડ સાથે દિવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક ઘરમાંથી બહાર નીકળીને જોતાં રહેવાસીઓ હેબતાઈ ગયા હતા.

આખી રાત ફ્લેટની નીચે જ ઠંડીમાં રાતવાસો કર્યા બાદ સવારે અઠવા ઝોન અને મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગનાં ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તકેદારીનાં ભાગરૂપે ચાર ટાવરોમાં વસવાટ કરતાં પરિવારજનોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી હતી. જેને પગલે બાઈટસ્ટોન પ્રોજેક્ટનાં સંચાલકો દ્વારા આ રહેવાસીઓ માટે હોટલમાં રહેવાની હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

બીજી તરફ પાલિકા દ્વારા પણ કન્ટ્રકશન સાઈટનાં ડેવલપરની રજાચિઠ્ઠી સ્થગિત કરવાની સાથે સાથે સ્ટ્રક્ચર એન્જીનિયર, આર્કિટેક્ટ અને સાઈટ સુપરવાઈઝસનાં છ મહિના માટે લાયસંન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સ્થિતિ વચ્ચે ગઈકાલે બુધવારથી કન્સ્ટ્રકશન સાઈટ પર યુદ્ધનાં ધોરણે માટી પુરાણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે આજે ગુરુવારે સવારે ગેસ લાઈન અને પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં શિવ રેસીડેન્સીમાં વસવાટ કરતાં અન્ય પરિવારજનોની હાલત કફોડી થવા પામી હતી.

ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે શિવ રેસીડેન્સીનાં રહેવાસીઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિકો ટસના મસ ન થતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું અને રસ્તો બ્લોક કરી દેતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન પોલીસ ઉચ્ચાધિકારીઓ દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રજાચિઠ્ઠી રદ કરાઈ
ભીમરાડ ખાતે મંગળવાર મોડી રાત્રે એકાએક નિર્માણાધીન પ્રોજેક્ટમાં માટી ઘસી પડતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સુરત મહાનગર પાલિકાનાં અઠવા ઝોન સહિત મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગનાં ઉચ્ચાધિકારીઓ દ્વારા તાત્કાલિક દુર્ઘટના સ્થળે ઘસી ગયા હતા અને રજાચિઠ્ઠી રદ કરવા સહિતની આકરી કાર્યવાહી હાથ ધરી હતી.

માટીપુરાણનું કામ પુરજોશમાં
ગઈકાલથી જ પ્રોજેક્ટમાં માટી પુરાણની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે 400 જેટલી ટ્રક બાદ આજે પણ સવારથી વધુ 400 ટ્રક માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વહીવટી તંત્રનાં જણાવ્યા અનુસાર અંદાજે 1200થી 1400 ટ્રક જેટલી માટીનાં પુરાણની જરૂરિયાત હોવાને કારણે આજે સાંજ સુધી માટી પુરાણની કામગીરી અવિસ્ત ચાલશે.

Most Popular

To Top