Columns

સૌથી સુંદર ભેટ

દાદા અને દાદીની લગ્નની ૬૦ મી મેરેજ એનીવર્સરી હતી. ૮૦ વર્ષના દાદા અને ૭૬ વર્ષનાં દાદી તેમની વચ્ચે‘ડોસી ડોસાને વ્હાલ કરે છે’ એવો મધુરો પ્રેમ અકબંધ હતો.ઘરનાં બધાંએ મળીને સુંદર સેલીબ્રેશનનું આયોજન કર્યું હતું. દાદા દાદીના લગ્નના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ શોધ્યા. બીજા થોડા યુવાનીના ફોટા શોધ્યા અને સરસ ડેકોરેશન અને મોટા પડદા પર ફોટોગ્રાફ્સ દેખાડવાનું આયોજન કર્યું.

દાદા અને દાદી તો આ બધું જોઇને જૂની યાદોમાં સરી પડ્યાં અને દરેક ફોટા સાથે જોડાયેલી લાગણીઓ અને વાતો કહેવા લાગ્યાં. બધાને સાંભળવાની બહુ મજા આવી. એક ગુલાબી સાડીમાં દાદીનો ગજરો નાખેલો ફોટો આવ્યો. દાદી બોલ્યાં, ‘‘આ સાડી તમારા દાદા મારા માટે ખાસ કલકત્તાથી લાવ્યા હતા.’’ નાનકડી પૌત્રીએ તરત પૂછ્યું, ‘‘દાદી, દાદાએ તમને આટલાં બધાં વર્ષમાં કેટલી ભેટ આપી છે અને તેમાંથી સૌથી મોંઘી કે સૌથી યાદગાર ભેટ કઈ જે તમને સૌથી વધારે ગમી હોય.’’

દાદી દાદા તરફ જોઇને મીઠું હસ્યાં અને પછી બોલ્યાં, ‘દીકરા, ૬૦ વર્ષથી મને જે મળ્યું છે, તેમણે જે અપાવ્યું છે તે બધું જ તારા દાદાએ આપેલી ભેટો જ છે અને હવે વાત કરું સૌથી મોંઘી અને યાદગાર ભેટ જે મને સૌથી વધારે ગમે છે.’’નાનકડો પૌત્ર વચ્ચે જ બોલ્યો, ‘‘દાદી જલ્દી કહો ને કઈ ગીફ્ટ અને બતાવો અમને તમે સાચવી રાખી હશે ને.’’ દાદી મીઠું મલકતાં બોલ્યાં, ‘‘તારા દાદા તરફથી મને તો અમૂલ્ય ભેટ રોજે રોજ મળે છે તે એવી ભેટ છે જે કોઈ પૈસાથી ખરીદી શકતું નથી, છતાં મૂલ્યવાન છે.’’ દીકરી બોલી, ‘‘મા,એવી કઈ ભેટ છે?’’

દાદીએ કહ્યું, ‘‘એ ભેટ છે કાળજી કરવી, ધ્યાન રાખવું. તમારા અંગ્રેજીમાં કહું તો ‘careing’ આ એક એવી ભેટ છે કે જે તારા દાદા રોજેરોજ મને આપે છે અને અતિ મૂલ્યવાન છે.તારા દાદા સતત મારી બધી જરૂરિયાતનું ધ્યાન રાખે છે. હું બીમાર પડું તો દેખભાળ જાતે કરે છે. બહાર જાઉં કે થોડું કામ વધારે કરું તો ફિકર કરે છે. મારી નાની નાની વાતો ધ્યાનથી સાંભળે છે. દરેક રીતે મારું જતન કરે છે. આ બધું ‘કેરીંગ’‘careing’ છે અને આ ભેટ પ્રેમથી ભરપૂર હોય છે, જેનાં મૂળ દિલમાં છુપાયેલાં હોય છે અને એક વાર માટે નહિ જીવનભર માટે યાદગાર ભેટ સાબિત થાય છે.આ ભેટ દાદા રોજેરોજ મને આપે છે.’’

બધાના મોઢામાંથી સારી પડ્યું, ‘‘વાહ દાદા!’’ અત્યાર સુધી દાદીની મીઠી મીઠી વાતો ચુપચાપ સાંભળતા દાદા બોલ્યા, ‘‘અરે, હું કાળજી કરું છું તેનાથી અનેકગણી કાળજી તે મારી કરે છે ; બોલવા બેસીશ તો આખી રાત નીકળી જશે. આટલાં વર્ષોમાં અમારો પ્રેમ અકબંધ છે એટલે એકમેકની કાળજી લઈએ છીએ કે કાળજી લઈએ છીએ એટલે પ્રેમ અકબંધ છે તે વિચારવાનુંછે.’’ દાદી મીઠું મલકયાં અને બધા જોરથી હસ્યાં.દાદા દાદીના પ્રેમના અધ્યાયે બધાને સુંદર સમજ પણ આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top