જીવનનો સાર : – ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે; મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણા ખુલે. ઘઉં તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું; મગની દાળ ને ચોખા મળે, તો લાંબુ જીવી જાણું. ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો; તલના તેલની માલિશથી, દુઃખે નહીં એકેય સાંધો. ગાયનું ઘી છે પીળું સોનુ, મલાઈનું ઘી ચાંદી; હવે વનસ્પતિ ઘી ખાઈને, થાય સારી દુનિયા માંદી. મગ કહે: હું લીલો દાણો, ને મારે માથે ચાંદું; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદું.
ચણો કહે: હું ખરબચડો, મારો પીળો રંગ જણાય; જો રોજ પલાળી મને ખાય, તો ઘોડા જેવા થવાય. રસોઈ રાંધે જો પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબામાં; જો ભોજન કરે કાંસામાં, તો જીવન માણે લાબામાં. ઘર-ઘરમાં રોગનાં ખાટ્લાં, ને દવાખાનામાં બાટલા; ફ્રીજનાં ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલા. પૂર્વે ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય; પશ્ચિમે ચિંતા ઉપજે, ને ઉત્તરે હાનિ થાય. ઊંધો સુવે તે અભાગ્યો, ચતો સુવે તે રોગી; ડાબે તો સૌ કોઈ સુવે, જમણે સુવે તે યોગી. આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનુ શું કામ; આહાર-વિહાર અજ્ઞાનથી, દવાખાના થાય છે જામ. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર; પ્રભુ ભજન પછી ભોજન કરે, એ નર છે વીર.
સુરત -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.