વડોદરામાં મોડીફાય સાયલેન્સર સામે ટ્રાફિક પોલીસનો કડક સપાટો
(પ્રતિનિધિ) વડોદરા, તા.17
વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડીફાય સાયલેન્સર લગાવેલા બુલેટ સહિતના ટુ-વ્હીલર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 108 મોડીફાય સાયલેન્સર કબજે કરીને કોર્ટની મંજૂરી બાદ બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડીફાય સાયલેન્સર લગાવેલા વાહનો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાને કારણે આ ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
કબજે કરાયેલા સાયલેન્સરની એફએસએલ તપાસ કરાવ્યા બાદ કોર્ટની પરવાનગી મેળવી પશ્ચિમ ઝોન કચેરી નજીક રોડ પર ગોઠવીને જાહેરમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ દ્વારા 500થી વધુ મોડીફાય સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પોલીસ કમિશનરે કાલાઘોડા સર્કલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.