Godhra

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે

આ સમારોહમાં કુલ ૨૧,૬૨૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

પ્રતિનિધિ ગોધરા તા.17

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવાર, તારીખ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે બુધવાર, તારીખ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

કુલપતિએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આ સાતમા દીક્ષાંત સમારોહનું આયોજન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત સરકારના બે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે. જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગૌસંવર્ધન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

આ પદવીદાન સમારોહમાં ૩૭ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને કુલ ૨૧,૬૨૬ ડિગ્રી એનાયત કરવામાં આવશે. કુલ ડિગ્રી પૈકી ૧,૬૮૪ વિદ્યાર્થીઓને રૂબરૂ અને ૧૯,૯૪૨ વિદ્યાર્થીઓને ગેરહાજરીમાં ડિગ્રીઓ એનાયત કરાશે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર કુલ ૫૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે તેમ કુલપતિ પ્રો. કાતરિયાએ જણાવ્યું હતું.

Most Popular

To Top