Charchapatra

ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ

મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી અનુભવના આધારે કહેવું પડે કે આપણા સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી પરપ્રાંતના દવાના વ્યાપારીની દુકાનમાં ખાંસીની તદ્દન હલકી સસ્તી સીરપનું ધૂમ વેચાણ થાય છે. અહીં પરપ્રાંતના ડીગ્રી વગરનાં ડોક્ટરો પ્રેકટીસ કરી રહ્યા છે. અહીં વસતા પરપ્રાતંના ગરીબ મજૂર વર્ગ રોજ રાત્રે આ નશીલ ખાંસીની દવા લઈ જાય છે. એ દવાની આખી બોટલ ગટગટાવી જાય છે. લાંબે ગાળે જે શરીરને બહુ ભારી નુકસાન પહોંચાડે છે. સૌથી પહેલાં એની અસર લિવર પર થાય છે. બીજી સાઈડ ઈફેક્ટ પણ થાય છે.

આ દવામાં વધુ પડતું ઘેન હોવાથી એના નશાથી લોકો એના વ્યસની બની જાય છે. અહીં આ નશીલી દવા આસાનીથી મળી જાય છે. દુકાનદારોને કમાણી થાય છે. એટલે દવાનો ફુલ સ્ટોક રાખે છે. આ બધું ગેરકાયદેસર હોવા છતાં બધું લોલે લોલ ચાલે છે. અહીં મહત્ત્વની એક વાત કરવાની મૂળ સુરત શહેરમાં આવી દવાનું વેચાણ બિલકુલ થતું નથી. દુકાનદાર સમજીને આવી નુકસાનકારક હલકી દવાના વેચાણથી દૂર રહે છે. તેઓ સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીની દવા રાખે છે. જે મોંઘી હોય છે. પરંતુ ખાંસીના દર્દી માટે અસરકારક સાબિત થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઠેરઠેર નશીલી સીરપના વ્યાપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કાયદેસર એના પર જરૂરી પગલાં ભરવામાં આવ્યાં છે, જે એક સારી નિશાની છે.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top