દેશમાં લગ્નને સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે લોકો લગ્નમાં વધુ પડતો ખર્ચ શા માટે કરતા હશે? જેઓ અતિ ધનવાન છે તેઓ ભલે ખર્ચ કરે પરંતુ સામાન્ય આર્થિક સ્થિતિ જેમની હોય તેમને પણ ધામધૂમથી લગ્ન કરવાની ઘણી હોંશ હોય છે ત્યારે નવાઈ લાગે છે. લગ્ન તો જીવનમાં એક જ વખત થાય છે એવું વિચારીને લગ્ન પાછળ અધધ ખર્ચ કરવામાં આવે છે. દેવું કરીને પણ માબાપ જ્યારે ખર્ચ કરે છે ત્યારે તેઓ ભવિષ્યનો વિચાર નથી કરતા. લગ્ન નક્કી થાય એટલે ભપકાદાર ખર્ચાળ આમંત્રણ કાર્ડ પાછળ થતો ખર્ચ, પ્રિ વેડિંગ વિડીયોગ્રાફી, હલ્દી રસમ, ગરબા, ડી. જે., બ્યુટી પાર્લર, બેન્ડવાજાં, ફટાકડા, વરઘોડો, ડેકોરેશન, કેટરિંગ, ડેસ્ટિનેશન મેરેજ, વિદેશમાં હનીમૂન… વગેરે પાછળના ખર્ચા હદ વટાવી રહ્યા છે. બે આત્માના મિલનનો લગ્નનો મૂળભૂત હાર્દ તો જાણે ખલાસ થઈ ગયો હોય એવું લાગે છે. લગ્નના 16 સંસ્કારોને દીવો લઈને શોધવા જવું પડે એવી પરિસ્થિતિ છે. લગ્નમાં પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ખર્ચ કરવાને બદલે દેખાદેખીમાં વધારે પડતો ખર્ચ કરવામાં આવે છે. સાચી વાત તો એ છે કે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ ઘટાડીને સંતાનોના શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.