પાલિકા તંત્રની બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ
સાવલી: નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો હાલ બિસમાર હાલતમાં પહોંચી ગયા છે. યોગ્ય દેખરેખ અને નિયમિત જાળવણીના અભાવે આ શૌચાલયો નગરજનો માટે બિનઉપયોગી બની ગયા છે. સ્વચ્છતા અભિયાન જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સાવલીમાં માત્ર કાગળ પર જ અમલમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું નગરજનો જણાવી રહ્યા છે, જેના કારણે પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
‘પે એન્ડ યુઝ’ યોજના નિષ્ફળ, ગંદકી અને દુર્ગંધનો ત્રાસ

સાવલી નગરપાલિકા દ્વારા જાહેર સુવિધા માટે ‘પે એન્ડ યુઝ’ યોજના હેઠળ જાહેર શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં નગરજનો દ્વારા તેનો ઉપયોગ થતો હતો, પરંતુ સમય જતાં નિયમિત સફાઈ, મરામત અને દેખરેખના અભાવે આજે આ શૌચાલયો ગંદકી અને અસહ્ય દુર્ગંધથી ભરાયેલા જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે માથું ફાટી જાય તેવી દુર્ગંધ અને અશુદ્ધ વાતાવરણને કારણે લોકો આ શૌચાલયો વાપરવાનું ટાળી રહ્યા છે.
તાલુકા મથક હોવા છતાં નાગરિકોને ભારે મુશ્કેલી

સાવલી નગર સમગ્ર તાલુકાનું વડુમથક હોવાથી દરરોજ હજારો નાગરિકો વિવિધ કામકાજ માટે અવરજવર કરે છે. આવી પરિસ્થિતિમાં કુદરતી હાજત કે લઘુશંકાની જરૂરિયાત સમયે જાહેર શૌચાલયો ઉપયોગમાં ન આવી શકતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સમયસર સફાઈ અને તકેદારી ન રાખવાના કારણે આ શૌચાલયો ઉપયોગલાયક રહ્યા નથી.
અસામાજિક તત્વોનો અડ્ડો બનતા સુરક્ષાના પ્રશ્નો

કેટલાક જાહેર શૌચાલયો બિસમાર હાલતને કારણે અસામાજિક તત્વો માટે અડ્ડા બની ગયા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. પરિણામે સ્વચ્છતા સાથે સાથે સુરક્ષાના પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નગરજનોનો આક્ષેપ છે કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી અને સરકારના સ્વચ્છતા અભિયાનના દાવાઓ અહીં ખોખલા સાબિત થઈ રહ્યા છે.
તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર લોકમાગ

નગરજનો દ્વારા સાવલી નગરપાલિકા તથા સંબંધિત વિભાગો સમક્ષ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા, શૌચાલયોનું મરામત કાર્ય હાથ ધરવા, નિયમિત જાળવણીની વ્યવસ્થા કરવા અને જાહેર શૌચાલયો ફરી કાર્યરત બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે. તાલુકા જનોના હિત અને સ્વચ્છતા માટે પાલિકા પોતાની ફરજ સમજે અને તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાગ વધુ મજબૂત બની છે.