દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હવાઈ મુસાફરીને ભારે અસર પહોંચી છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સોમવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા અત્યંત ઓછી રહી હતી. જેના કારણે 40 ફ્લાઇટ્સ રદ કરવી પડી. જ્યારે ચાર ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી.
ગાઢ ધુમ્મસ અને સ્મોગના કારણે ટેક-ઓફ અને લેન્ડિંગ પ્રક્રિયા પર અસર પડી છે. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ કરવામાં આવ્યો. જ્યારે કેટલીક ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી. સ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓએ મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી છે.
ઇન્ડિગો એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દિલ્હીમાં ઓછી દૃશ્યતા અને ધુમ્મસના કારણે ફ્લાઇટના સમયપત્રક પર અસર પડી શકે છે. કંપનીએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર જવા પહેલા પોતાની ફ્લાઇટની સ્થિતિ ઇન્ડિગોની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર તપાસી લે.
એર ઇન્ડિયાએ પણ પોતાની ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ્સ પર અસર પડી રહી છે. એર ઇન્ડિયાએ મુસાફરોને એરપોર્ટ પર નીકળતા પહેલા અધિકૃત વેબસાઇટ પરથી ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની વિનંતી કરી છે. જેથી અનાવશ્યક મુશ્કેલી ટાળી શકાય.
સોમવારે સવારે દિલ્હીમાં ધુમ્મસ અને સ્મોગનું પ્રમાણ એટલું વધારે હતું કે દૃશ્યતા ઘણી જગ્યાએ ખૂબ જ મર્યાદિત રહી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ આજે સવારે 8 વાગ્યે દિલ્હીનો AQI 452 નોંધાયો હતો. જ્યારે રવિવારે સાંજે 4 વાગ્યે AQI 461 સુધી પહોંચ્યો હતો જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં પણ ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એરપોર્ટ પ્રશાસન અને એરલાઇન્સ મુસાફરોને સાવચેત રહેવા અને સતત અપડેટ્સ તપાસતા રહેવા અપીલ કરી રહ્યા છે.