વડોદરા: વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવેલી સાડી ગૌરવ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સંભાળ સાથે ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો છે. સ્વાસ્થ્ય અને સંસ્કૃતિના આ સુભગ સમન્વયભર્યા કાર્યક્રમમાં બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખની પાંચસોથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને વિશેષ આકર્ષણ આપ્યું હતું.

સંસ્કૃતિ સંવર્ધન માટે નવખંડ ધરા પર સદૈવ પ્રયત્નશીલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વડોદરા ખાતે આવનારી ૨ ફેબ્રુઆરીએ ઉજવનારી ૯૨મી જન્મજયંતીના નિમિત્તે તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી વડોદરામાં સેવારત શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતી વર્ષના અનુસંધાને, આ સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. સંસ્થાની મહિલાઓ જોડાઈ હતી.

મેરેથોન દરમિયાન મહિલાઓએ એકસમાન સાડી ગણવેશ પરિધાન કરી શિસ્તબદ્ધ રીતે દોડમાં ભાગ લીધો, જેના કારણે માર્ગ પર ઉપસ્થિત નાગરિકો અને દોડવીરોનું વિશેષ ધ્યાન આકર્ષાયું હતું. આ દ્રશ્ય દ્વારા નારી શક્તિ, સ્વાસ્થ્ય જાગૃતિ અને સંસ્કૃતિ ગૌરવનો સંદેશ અસરકારક રીતે પ્રસારિત થયો હતો.
