SURAT

સુરતમાં બહારથી આવનારા લોકોને કારણે સંક્રમણ વધ્યું: ફરજીયાત સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવા તંત્રનો આદેશ

સુરત: (Surat) કોરોનાના કેસોને (Corona Case) કન્ટ્રોલ કરવા માટે સુરતનું તંત્ર દોડતુ થયું છે. આ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ, સુરતમાં હવે બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે અને જો તેમનામાં લક્ષણો દેખાશે તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં શહેરમાં કોરોનાના યુકે અને આફ્રિકન બંને સ્ટ્રેઈન જોવા મળ્યા છે ત્યારે તંત્રની ચિંતા વધી છે. ખાસ કરીને બહારથી આવનારા લોકોમાં આ સ્ટ્રેઇન જોવા મળી રહ્યો છે. જેથી સુરત મનપા દ્વારા ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન (Quarantine) રહેવા અંગેનો નિર્ણય લેવાયો છે.

સુરત શહેરમાં સંક્રમણ વધવાનું શરૂ થતા એસએમસી (SMC) દ્વારા બહારથી આવતા મુસાફરો માટે જાહેરનામું (Notification) બહાર પાડ્યુ. આ જાહેરનામાં મુજબ સુરતમાં બહારથી આવતા તમામ લોકોએ સાત દિવસ ફરજિયાત ક્વૉરન્ટાઇન રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 109 દિવસ બાદ સુરત જિલ્લામાં ગઈકાલે અધધ 292 કેસ નોંધાયા છે ત્યારે હવે સૌથી પહેલા સુરતના એન્ટ્રી પોઈન્ટથી જ આ રોગને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટેની તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 56388 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1140 થયો છે. ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી 200 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયાં છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 53828 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. બીજી તરફ, સુરતમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો છે. ટેસ્ટની સંખ્યા આઠ હજારથી વધારીને 16 હજાર કરવામાં આવી છે. તેમજ હવે બહારથી આવનાર લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હશે તો સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ક્વોરન્ટાઈન નહિ રહે તો પોલીસ ફરિયાદ પણ થશે. તેમજ નિયમોનું ઉલ્લંઘન થશે તો દંડ વસૂલવામાં આવશે.

બીજી તરફ સુરત મનપા દ્વારા પાંડેસરા હાઉસિંગમાં શાક-ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરાવાઈ હતી. જાણવા મળ્યા મુજબ શાક અને ફ્રૂટ માર્કેટ સહિત દુકાનો બંધ કરવામાં આવી છે. પાંડેસરા હાઉસિંગમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી ઉધના ઝોનમાં કેસ વધતા કડક કાર્યવાહી કરાઈ છે. સુરત શહેરમાં ગતરોજ 263 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેર અને જિલ્લામાં કુલ 292 નવા કેસ નોંધાયા હતા ત્યારે એસએમસી હરકતમાં આવી છે. તંત્ર દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બંધ કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top