લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
વડોદરા :શહેરના લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્કના કામ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમજીવીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
ખોદકામ દરમિયાન અકસ્માત, એક શ્રમજીવી દબાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ હેઠળ કરોળિયા–ઉંડેરા વિસ્તારમાં અંદાજે ₹20 કરોડથી વધુના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. આ કામનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન ફેબ્રિકેટેડ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન ખોદકામ કરેલી જગ્યાએ અચાનક માટીનો મોટો જથ્થો ધસી પડતા શ્રમજીવી કાંતિ ચારેલ માટી નીચે દબાઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત, પરિવાર શોકમાં
અન્ય શ્રમજીવીઓની બૂમાબૂમથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કાંતિ ચારેલને માટીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
આ દુર્ઘટનાને પગલે ડ્રેનેજ કામમાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસની માંગ ઉઠી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.