લીમખેડા–પીપલોદ બારીયા માર્ગ પર અચાનક ચેકિંગ
દાહોદ: દાહોદ જિલ્લાના ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન તથા ખનિજના બિનઅધિકૃત વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોજે લીમખેડા તથા પીપલોદ બારીયા માર્ગ વિસ્તારમાં કરવામાં આવેલી અચાનક ચેકિંગ દરમિયાન રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ૦૬ ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા હતા.
ચેકિંગ સમયે ટ્રકોમાં ભરેલી રેતી માટે જરૂરી પરવાનગી, રોયલ્ટી પાસ તેમજ કાયદેસર દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળતા જણાઈ આવતા, ખનિજ નિયમો મુજબ તમામ ૦૬ ટ્રકો તાત્કાલિક રીતે સિઝ કરવામાં આવ્યા હતા. સિઝ કરાયેલ ટ્રકો તથા તેમાં ભરેલી સાદી રેતી સહિત કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૧ કરોડ ૩૦ લાખ જેટલી આંકવામાં આવી છે.
ખનન અને ખનિજ વિભાગ દ્વારા ગુજરાત માઇનર મિનરલ કન્સેશન નિયમો હેઠળ નિયમસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંબંધિત વાહન માલિકો અને સંકળાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ સતત તપાસ તથા કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને કાયદાનું પાલન સુનિશ્ચિત થઈ શકે.