Vadodara

સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર

સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શોધખોળ તેજ કરી

પ્રતિનિધિ વડોદરા તા.12

વાઘોડિયા તાલુકામાં અપહરણનો ભોગ બનેલી 17 વર્ષીય કિશોરીને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી હરસિદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં સુરક્ષિત કસ્ટડી હેઠળ રાખવામાં આવી હતી. પરંતુ બે દિવસ પહેલાં આ કિશોરી રાત્રિના સમયે સંસ્થાની દિવાલ પર ચડી અને ત્યાંથી ઝાડ પરથી બહાર કુદીને ફરાર થઈ ગઈ હતી.
સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ હેતાશ્રી બ્રહ્મભટ્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કિશોરી સ્ટાફની હાજરીમાંથી છટકી સૌપ્રથમ દીવાલ ચડી, ત્યાર બાદ નજીકના ઝાડનો સહારો લઈને બહારના ભાગમાં કૂદકો મારીને ભાગી છૂટકી હતી. ઘટના બાદ સ્ટાફે આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, છતાં બે દિવસ બાદ પણ કિશોરીનું કોઈ પગેરૂ મળ્યું નથી.

ગોરવા પોલીસે સંસ્થા અને તેની આસપાસના માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે. હાલ વિવિધ સ્થળોએ ચેકિંગ તથા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બાળગૃહ માત્ર ગુનાહિત કેસોના ભોગ બનેલા અને અનાથ બાળકો માટે

આ સંસ્થા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના હુકમ અનુસાર, ગુનાહિત કેસોના ભોગ બનેલી કિશોરીઓ અથવા અનાથ બાળકીઓને જ રાખવામાં આવે છે. સંસ્થા ગાંધીનગરના સમાજ સુરક્ષા ખાતાના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે.

હજુ સુધી કોઈ અતોપત્તો નહીં — પોલીસ તપાસ ચાલુ

બે દિવસથી સતત શોધખોળ, સીસીટીવી નિરીક્ષણ અને ઈન્ટેલિજન્સ સર્ચ છતાં પોલીસને કિશોરી વિશે કોઈ ચોક્કસ માહિતી હાથ લાગેલી નથી. આ મામલે સુરક્ષા વ્યવસ્થામાં આવેલા ખામીઓ અંગે પણ સવાલો ઊઠ્યા છે.


Most Popular

To Top