Gujarat

અંકલેશ્વર નજીક રિક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર પછી આગ ભભૂકી: મહિલા જીવતી ભૂંજાઈ, 4 ઈજાગ્રસ્ત

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે આજે 12 ડિસેમ્બરે એક વધુ કરૂણ બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામની નજીક વહેલી સવારે રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી ભયાનક હતી કે ટક્કર બાદ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલા જીવતી સળગી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

કેવી રીતે બન્યો અકસ્માત?
આજે વહેલી સવારે રોડ પર સામાન્ય ટ્રાફિક વચ્ચે બાઈક અને રિક્ષા આમને-સામને ઝડપથી આવી રહ્યાં હતાં ત્યારે અચાનક ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કરની અસરથી બંને વાહનો રસ્તા પર પલટી ગયા અને થોડા જ પળોમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે હાજર લોકો અનુસાર આગ એટલી ઝડપથી ફેલાઈ કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો નહોતો.

ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ દુર્ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી કેટલાકની હાલત ચિંતાજનક છે અને તેમને આગળની સારવાર માટે બીજી હોસ્પિટલમાં રિફર કરવાની શક્યતા છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની ઝડપી કાર્યવાહી
દુર્ઘટના બાદ મળેલી માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળાવ્યો હતો. આગ અને અકસ્માતને કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ હવે અકસ્માતના ચોક્કસ કારણો વધુ ઝડપ, બેદરકારી કે અન્ય કોઈ પરિસ્થિતિ સમજવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.

Most Popular

To Top