સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની મીટિંગ થઇ હતી. જેમાં વેપારીઓએ બુધવારથી 6 ટકા ડિસ્કાઉન્ટ વગર ગ્રેની ડિલિવરી (Gray delivery) નહીં લેવાનો નિર્ણય લીધો હતો. સાથેસાથ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ નહીં ચૂકવવામાં આવે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. એક બાજુ વેપારીઓ 6 ટકા ડિસ્કાઉન્ટની વગર ગ્રે નહી ખરીદે તેવી ધમકી આપી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ નહીં ચૂકવવાની વાત કરે છે. જ્યારે બીજી બાજુ ફોગવાએ પણ તેની મીટિંગમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વગર વેપાર નહી કરવાની વાત કરી છે. બંને પક્ષોમા આવનારા દિવસોમાં વિરોઘ વધુ વધે તેવી શક્યતા છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટમા સોમવારે પાંચ વાગે તમામ વેપારી સંગઠનોના અગ્રણીઓની બોલાવાયેલી મીટિંગમાં વેપારીઓ દ્વારા વિવર્સ દ્વારા ટ્રાન્સપોર્ટેશન ચાર્જની માંગણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ 5 ટકા વટાવ અને 1 ટકા એજન્ટ કમિશન સાથે કુલ 6 ટકા ડિસ્કાઉન્ટ સાથે જો વિવર ગ્રે નહીં વેચે તો બુધવારથી ગ્રેની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત આવનારા દિવસોમાં મોટી સભા આયોજિત કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું.
વેપારીઓની સમસ્યાને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે આવનારા દિવસોમાં કાપડ માર્કેટના તમામ વેપારીઓના સંગઠનો મળી એક વેપારી એકતા મંચ બનાવશે તેવો પણ નિર્ણય લેવાયો હતો. મીટિંગમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ સાવર પ્રસાદ બુધિયા, મંત્રી સુનીલ જૈન ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ,એસએમએના પ્રમુખ નરેન્દ્ર સાબુ તેમજ વેપાર પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાની સહિત અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાપડ માર્કેટના વેપારીઓએ માર્કેટ સીલ ન કરવા રજૂઆત કરી
સુરત: શહેરમાં ચૂંટણી પછી ફરીથી એક વાર કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં વેપારીઓની અવર-જવર હોવાની સાથે અન્ય રાજ્યોથી પણ વેપારીઓ આવે છે. જેને ધ્યાને રાખી મનપા દ્વારા હાલમાં જ નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કોઇ પણ માર્કેટમાં પાંચ કોરોના સંક્રમિત દર્દીઓ મળે તો માર્કેટ બંધ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. જેના પગલે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણથી ચાર માર્કેટોને બંધ પણ કરવામા આવ્યાં હતાં. મનપાની આ કાર્યવાહી સામે કાપડ માર્કેટના વેપારીઓ સોમવારે બપોરે ત્રણ વાગે પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલને મળ્યાં હતાં.
વેપારીઓએ સીઆર પાટીલને રજૂઆત કરી હતી કે હાલ તહેવારોને લીધે કાપડ માર્કેટમાં ખરીદીની મોસમ છે. અમુક લોકોને કોરોના પોઝિટિવ આવતા માર્કેટને સીલ કરવાની કાર્યવાહી યોગ્ય નથી. સીઆર પાટિલે વેપારીઓની રજૂઆતો સાંભળી આશ્વાસન આપ્યો હતો. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના નેતૃત્વમાં આયોજિત મીટિગમાં એસજીટીપીએના પ્રમુખ સાવરપ્રસાદ બુધિયા, મંત્રી સુનીલ જૈન, સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ સહિત અન્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.