ડભોઇ:;વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. વિડિયોમાં સરપંચ માથા પર ટોપલો, ખભા પર દફ્તર તથા હાથે થાળી લઈને ગામમાં ફરતા જોવા મળે છે અને “દિલીપભાઈ… મગનભાઈ… છગનભાઈ… પડીકું લાવો… બિયર આપો…” જેવી બૂમો પાડતા નજરે પડે છે. ગામજનો વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
આ વિડીયો વિશે એવો આક્ષેપ પણ સામે આવ્યો છે કે સરપંચે પોતાના પર લાગેલા વિકાસ કાર્યોની ટકાવારી એડવાન્સમાં લીધાની અને ભ્રષ્ટાચારની ફરિયાદોને છુપાવવા માટે આ ‘ગાંડપણ’નું નાટક કર્યું છે.
“હું ગાંડો નથી, સભ્યોએ ગાંડો બનાવ્યો” – સરપંચનો દાવો
વિડિયો વાયરલ થયા બાદ આપેલા નિવેદનમાં સરપંચે જણાવ્યું કે તેઓ ગાંડા નથી, પરંતુ પંચાયતના છ સભ્યોની હેરાનગતિ અને સતત દબાણને કારણે આ રીતે વર્તન કર્યું.
તેમણે વધુમાં કહ્યું: “ગામમાં પૂછી લો, હું ગાંડો નથી. સભ્યોએ મને ગાંડો બનાવ્યો છે.”
સભ્યોની ફરિયાદ – ભ્રષ્ટાચારના આક્ષેપો
પંચાયતના સભ્ય મફતભાઈ સોલંકી સહિતના સભ્યોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ વિકાસ કાર્યોમાં ટકાવારી એડવાન્સ લીધાની ગંભીર ફરિયાદ કરી છે. આ અંગે ટી.ડી.ઓ.ને લેખિત અરજી પણ કરવામાં આવી છે.
વિડિયો વાયરલ થતાં જ તાલુકા વિકાસ અધિકારી (TDO) ગામ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.
વિડિયો બન્યો હાસ્યનો વિષય
રસુલાબાદના સરપંચ દ્વારા પોતાનું માનસિક સંતુલન બગડ્યું હોય તેવી ઢબે વિડિયો બનાવી વાયરલ કરતા વાઘોડિયા તાલુકા સહિત વડોદરા જિલ્લાભરમાં અને સોશિયલ મીડિયામાં આ ઘટના હાસ્યાસ્પદ ચર્ચાનો વિષય બની છે.
📸 રિપોર્ટર : સઈદ મનસુરી, ડભોઇ