Vadodara

VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ

દબાણ હટાવવા ગયેલી ટીમ સામે ભારે હોબાળો: પોલીસની સમજાવટથી મામલો માંડ થાળે પડ્યો

પથારાવાળાઓનો આક્ષેપ: પાલિકા દર મહિને રૂ. 500 લે છે, છતાં કાર્યવાહી! તંત્રે સ્પષ્ટતા કરી: તે માલિકી હક નહીં, માત્ર વહીવટી ચાર્જ છે

વડોદરા:; ​શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અને ટ્રાફિકથી ધમધમતા કડક બજારમાં આજે ફરી એકવાર વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. ડમ્પર સાથે દબાણ હટાવવા આવેલી ટીમનો 85 વર્ષના એક વૃદ્ધ કેળાંની લારી ચલાવનારે અનોખી રીતે વિરોધ કર્યો હતો. વૃદ્ધ ડમ્પરની આગળ જ રોડ પર સૂઈ ગયા હતા, જેના પગલે કામગીરી અટકી પડી હતી અને ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું.

કડક બજારમાં રોડ-રસ્તા પર દબાણ કરીને ધંધો કરતા લોકો પર પાલિકાની દબાણ શાખાએ ગુરુવારે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન, 85 વર્ષના એક વૃદ્ધ કેળાંની લારી ચલાવતા હતા, જેમની આશરે રૂ. 6 થી 7 હજારની કિંમતના કેળાં ભરેલી લારી જપ્ત કરવાની પાલિકાની ટીમે કાર્યવાહી કરી. પાલિકાની ટીમે જ્યારે લારી જપ્ત કરવા માટે કેળાં રોડ પર મૂક્યા, ત્યારે રોષે ભરાયેલા વૃદ્ધે પાલિકાના ડમ્પરની આગળ સૂઈ જઈને દબાણ ટીમનો વિરોધ કર્યો હતો.

પરિણામે, ઘટનાસ્થળે ભારે હોબાળો સર્જાયો હતો અને આસપાસના અન્ય દબાણ કરનારાઓ સહિત લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ પાલિકા ટીમની કામગીરી સામે ભારે સૂત્રોચ્ચાર અને હુરિયો બોલાવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ભારે હોબાળા વચ્ચે સ્થાનિક પોલીસ ટીમે હસ્તક્ષેપ કર્યો હતો. પોલીસે મહામહેનતે હોબાળો મચાવનારાઓ અને ડમ્પર આગળ સૂઈ ગયેલા વૃદ્ધને સમજાવટથી હટાવ્યા હતા.

વૃદ્ધને ત્યાંથી હટાવ્યા બાદ દબાણ શાખાની ટીમે કડક બજારમાં ગેરકાયદે ખડકાયેલી શાકભાજીની પાંચ જેટલી લારીઓ કબજે કરી હતી અને રોડ-રસ્તા ખુલ્લા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પથારાવાળાઓએ દબાણ શાખાની ટીમ સામે દાવો કર્યો હતો કે પાલિકા તંત્ર દ્વારા તેમની પાસેથી પ્રતિ માસ રૂ. 500 વસૂલ કરવામાં આવે છે. જોકે, પાલિકાના તંત્રની ટીમે સ્પષ્ટ કર્યું હતું કે આ પાંચસો રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવે છે અને આવા રૂપિયા લેવાથી જગ્યાની માલિકીનો હક મળી જતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજીગંજના કડક બજાર વિસ્તારમાં શાકભાજી અને ફ્રૂટવાળાઓ તેમજ સ્થાનિક દુકાનદારોના ગેરકાયદે દબાણને કારણે રાહદારીઓ તેમજ દ્વિચક્રી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફોર-વ્હીલર ચાલકો તો આ રસ્તેથી પસાર થવાનું ટાળે છે, જાણે કે અહીં ફોર-વ્હીલર માટે પ્રતિબંધ હોય. ગંભીર બાબત એ છે કે, કડક બજારમાંથી એમ્બ્યુલન્સ વાન પણ મહામુસીબતે પસાર થઈ શકે છે, જેના કારણે કાયમી ધોરણે જોખમી પરિસ્થિતિ રહે છે.

આ સંજોગોમાં, પાલિકા તંત્ર દ્વારા ગઈકાલે પણ આ વિસ્તારમાં કાર્યવાહી કરીને ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે કરવામાં આવ્યો હતો અને 20 જેટલા ઓટલા પણ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો ન હોવાથી આજે ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top