Vadodara

બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!

VMCની ઉપેક્ષા: એક તરફ સિદ્ધનાથ તળાવમાં પાણી ભરવાની માંગ, બીજી તરફ સરસિયા તળાવની જાળવણીના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ

તળાવોની દશા જોઈ કહી શકાય: પાલિકાના લાખો-કરોડોના ખર્ચા માત્ર કાગળ પર, સ્થળ પરની હકીકત તદ્દન વિપરીત!

વડોદરા: એક તરફ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના જુદા-જુદા તળાવોને ‘બ્યુટીફિકેશન’ના નામે કરોડો રૂપિયાના ખર્ચે રેનોવેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું વારસિયાનું સરસિયા તળાવ પાલિકાની સંપૂર્ણ ઉપેક્ષાનો ભોગ બન્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિક આગેવાનોએ આ તળાવની દયનીય સ્થિતિ અને તેની સફાઈના કોન્ટ્રાક્ટમાં ચાલી રહેલા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.

વડોદરાના અન્ય તળાવોને જ્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વારસિયાનું સરસિયા તળાવ જાણે વડોદરાની હદની બહાર આવેલું હોય તેવી સ્થિતિ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા આ તળાવને બ્યુટીફિકેશન પ્રોજેક્ટથી ઇરાદાપૂર્વક દૂર રાખવામાં આવ્યું છે.

આનાથી પણ ગંભીર બાબત એ છે કે તળાવની સફાઈ અને જાળવણી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેના દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકોએ સીધો આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત બિલ પાસ કરાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સફાઈના નામે શૂન્ય કામગીરી હોવા છતાં લાખોના બિલ કેવી રીતે પાસ થાય છે, તે અંગે સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેઓએ તાત્કાલિક ધોરણે આ તળાવનું બ્યુટીફિકેશન થાય અને ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બરતરફ કરવામાં આવે તેવી જોરદાર માંગણી પાલિકા સમક્ષ મૂકી છે. ગુરુવારના રોજ આ મામલે સત્તાધીશોનું ધ્યાન દોરીને સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સખત નારાજગી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પાલિકાની વડી કચેરી પાસે આવેલા સિધ્ધનાથ તળાવનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. વિપક્ષના એક નેતાએ તળાવમાં જળચર પ્રાણીઓ માટે પાણી ભરવા અંગે પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલનની ચીમકી આપી હતી.

સિધ્ધનાથ તળાવની દશા પર થયેલા વિરોધ બાદ આજે વારસિયાના સરસિયા તળાવની દેખરેખ અને ભ્રષ્ટાચારનો મામલો સપાટી પર આવતા પાલિકાની બેદરકારી વધુ ખુલ્લી પડી છે.
તળાવો માટેના ખર્ચાઓ માત્ર ‘કાગળ પર’ની વાત?

શહેરમાં બે દિવસમાં બે મુખ્ય તળાવોની દયનીય સ્થિતિ બહાર આવતા એક વાત ચોક્કસ કહી શકાય કે, તળાવોના બ્યુટીફિકેશન અને જાળવણી માટે પાલિકા દ્વારા જે લાખો-કરોડો રૂપિયા ખર્ચવાની વાતો કરવામાં આવે છે, તે કદાચ માત્ર કાગળ પરની યોજનાઓ જ હોય તેમ લાગે છે. તળાવોની વર્તમાન દશા જોઈને નાગરિકોમાં પાલિકાની કાર્યક્ષમતા સામે સખત રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે પછી ભ્રષ્ટાચારનો આ ખેલ ચાલુ રહે છે.

Most Popular

To Top