ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારતીય જળસીમામાં ઘૂસખોરી કરતા પાકિસ્તાનની ‘અલવલી’ નામની બોટને ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. બોટમાં 11 પાકિસ્તાની માછીમારો પણ સવાર હતા. જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.
જખૌમાં પૂછપરછ શરૂ
કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન આ બોટને રોકી હતી. તમામ માછીમારોને વધુ પૂછપરછ માટે જખૌ બંદર લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ માછીમારીના હેતુથી જ ભારતીય જળસીમામાં ઘૂસ્યા હતા.
કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી
હાલ સુધી માછીમારો પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓને ધ્યાનમાં રાખીને તમામ માછીમારોની સઘન પૂછપરછ ચાલુ છે. કોસ્ટગાર્ડે બોટ ઝડપી લેવાની ઘટના અંગે પુષ્ટિ કરી છે પરંતુ અધિકૃત રીતે અન્ય કોઈ વધારાની વિગતો જાહેર કરાઈ નથી.
મરીન પોલીસ અને સ્થાનિક પોલીસની કાર્યવાહી ચાલુ
જખૌ મરીન પોલીસ દ્વારા કાયદેસરની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલો સુરક્ષા દૃષ્ટિએ ગંભીરતાથી લઈ તપાસવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ પણ કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં કાર્ય કરી રહી છે.
પહેલા પણ આવી ઘટનાઓ બની હતી
ગત ઓગસ્ટની શરૂઆતમાં પણ કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં BSFએ 15 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી મોટી માત્રામાં માછલી, ફિશિંગ નેટ, ડીઝલ અને ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા હતા.
કચ્છના દરિયાકાંઠે પાકિસ્તાની બોટોની એન્ટ્રીની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પેટ્રોલિંગ અને દેખરેખ વધુ કડક બનાવી રહી છે.