અયોધ્યામાં આજે 11 ડિસેમ્બર ગુરુવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત હતો. આ અકસ્માતમાં રામ લલ્લાના દર્શન કરવા જઈ રહેલી બોલેરો ટ્રેક્ટર ટ્રોલી સાથે જોરદાર રીતે અથડાતા વાહન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું હતુ. આ ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 11 અન્ય લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઘટના સવારે 5 વાગ્યે કલ્યાણ ભદરસા ગામ નજીક અયોધ્યા–પ્રયાગરાજ હાઇવે પર બની હતી.
રેવાથી અયોધ્યા તરફ જઈ રહેલા ભક્તો
આ તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રેવા શહેરમાંથી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા નીકળ્યા હતા. બોલેરોમાં કુલ 14 લોકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોનો આગળનો ભાગ પૂરી રીતે નાશ પામી ગયો.
અથડામણ બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે. જ્યાં ત્રણ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા.
પોલીસે વાહનો કબજે લીધા
માહિતી મળતા જ સ્થાનિક પુરાકલંદર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનામાં સામેલ બોલેરો અને ટ્રેક્ટર ટ્રોલી બંનેને કબજે લીધા છે. પ્રાથમિક તપાસ એવું સૂચવે છે કે અંધારું અને ધીમી ગતિએ ચાલતાં ટ્રેક્ટર ટ્રોલીનો અચાનક દેખાવ થઈ જતાં બોલેરો ડ્રાઈવરને બ્રેક લગાવવાનો મોકો ન મળ્યો. જેથી આ જોરદાર અથડામણ થઈ હતી.
અયોધ્યા માર્ગ પર વધતા અકસ્માતો
નોંધનીય છે કે અયોધ્યા–પ્રયાગરાજ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોમાં યાત્રાળુઓના વાહનોના અકસ્માત વધતા જોવા મળી રહ્યા છે. ગઈ 6 ડિસેમ્બરે પણ સુલતાનપુર જિલ્લામાં ભગવાન રામ લલ્લાના દર્શન કરીને પરત ફરી રહેલી બસને ટ્રકે ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું અને અનેક ભક્તો ઘાયલ થયા હતા.