રોયલ્ટી બંધ હોવા છતાં ગાડીઓ ક્યાંથી ભરાય છે? – લોકોમાં ચર્ચા
પ્રતિનિધિ : બોડેલી
છોટાઉદેપુરના ખાણ-ખનીજ વિભાગની નસવાડી નજીક આવેલી ધામસિયા ચેકપોસ્ટ પર રાત્રીના ચેકિંગ દરમ્યાન રોયલ્ટી પાસ વિનાની ડોલોમાઈટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપી પાડવામાં આવી હતી. કુલ પાંચ જેટલી ગાડીઓ તપાસમાં આવી હતી જેમાંથી અન્ય ત્રણ ગાડીઓ પાસે પૂરતા દસ્તાવેજ મળી આવતા તેને પસાર કરવામાં આવી હતી.
જ્યારે બે ગાડીઓમાં રોયલ્ટી પાસ ન મળતા ખાણખનીજ વિભાગે ઓનલાઈન દંડની કાર્યવાહી સહિત કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
રોયલ્ટી પાસ બંધ, છતાં ગાડીઓ ક્યાંથી ભરાય છે?
વિભાગ દ્વારા ડોલોમાઇટની મોટા ભાગની માઈન્સના રોયલ્ટી પાસ હાલમાં લોક (બંધ) રાખવામાં આવ્યા છે. તેમ છતાં રોજિંદા ઘણા ટ્રિપની ડોલોમાઈટ પાવડરની ગાડીઓ બહાર પડી રહી છે, જે લોકોમાં ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે:
રોયલ્ટી પાસ બંધ હોવા છતાં વાહનો ક્યાંથી ભરાઈ રહ્યા છે?
શું બંધ માઈન્સમાંથી ગેરકાયદે ખનન થઈ રહ્યું છે?
ચેકિંગ કડક હોવા છતાં આવી ગાડીઓ કેવી રીતે પસાર થાય છે?
MP ના GST બિલો અને સ્થાનિક ભરાણ અંગે ચર્ચાઓ
સ્રોતોનાં જણાવ્યા અનુસાર, ઘણા વાહનો મધ્યપ્રદેશના GST બિલો મેળવી છોટાઉદેપુર વિસ્તારમાંથી જ ડોલોમાઇટ પાવડર ભરીને જતાં હોવાની ચર્ચાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જોર પકડી રહી છે. જો આ દિશામાં તંત્ર દીઠી તપાસ કરે તો અનેક હકીકતો પ્રકાશમાં આવી શકે એવી સંભાવનાઓ વ્યક્ત થાય છે.
15–20 દિવસ પહેલાં પણ ગેરરીતિ પકડાઈ હતી
માહિતી મુજબ, લગભગ વિસ દિવસ પહેલાં પણ આ જ ચેકપોસ્ટ પર ત્રણ રોયલ્ટી વિનાની ડોલોમાઈટ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી હતી. આમ, સતત આવી કાર્યવાહી થતાં ખનન માફિયાનું નેટવર્ક વધુ ખુલાસાને આમંત્રણ આપી રહ્યું છે.
સ્થાનિક લોકો અને હિતધારકો હવે તંત્ર તરફ નજર ગાડીને બેઠા છે કે ગેરકાયદેસર ભરાતી ગાડીઓ અને બંધ માઈન્સ મામલે શું ચોક્કસ પગલા લેવાશે.
અહેવાલ— ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર