જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો સતત બીજા મહિને વધીને ફેબ્રુઆરીમાં ૪.૨૭ ટકા થયો હતો કારણ કે ખોરાકી ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. આ સાથે આ ફુગાવો ૨૭ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે.
ડબલ્યુપીઆઇ ફુગાવો જાન્યુઆરીમાં ૨.૦૩ ટકા અને ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૨.૨૬ ટકા હતો. કેટલાક મહિનાઓ સુધી કિંમતો હળવી થયા બાદ ફેબ્રુઆરીમાં ખોરાકી ચીજવસ્તુઓમાં ૧.૩૬ ટકાનો ફુગાવો નોંધાયો હતો, જાન્યુઆરીમાં આ દર (-)૨.૮૦ ટકા હતો.
શાકભાજીઓમાં આ દર ફેબ્રુઆરીમાં(-) ૨.૯૦ ટકા હતો, જેની સામે તેની અગાઉના મહિનામાં આ દર (-) ૨૦.૮૨ ટકા હતો. કઠોળમાં ફુગાવો ૧૦.૨પ ટકા હતો જ્યારે ફળોમાં આ દર ફેબ્રુઆરી મહિનામાં ૯.૪૮ ટકા હતો. ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફેબ્રુઆરીમાં ફુગાવો ૦.પ૮ ટકા હતો જેની સામે જાન્યુઆરીમાં આ દર (-)૪.૭૮ ટકા હતો. તાજેતરના મહિનાઓમાં ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતો વધવાને કારણે અને ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના આડકતરા વેરાઓના ઉંચા દરોને કારણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતો ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી છે.
ઇકરા લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો બમણો થઇ ગયો તે બાબત વૈશ્વિક જોખમની લાગણીઓ, સખત બનતી ક્રૂડ ઓઇલની કિંમતો અને ફૂડ આઇટમો માટે સાનુકૂળ બેઝ ઇફેક્ટ ધોવાઇ ગઇ તે બાબતોનો સમાવેશ થાય છે.
પાંચમી ફેબ્રુઆરીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની નાણાકીય નીતિમાં સતત ચોથા મહિને વ્યાજદરો યથાવત રાખ્યા હતા અને જણાવ્યું હતું કે કોર ઇન્ફલેશનના દેખાવ પર તાજેતરના મહિનાઓમાં દેખાયેલા કિંમતોમાં વધારાના દબાણની અસર દેખાઇ છે. હાલમાં જ પ્રગટ થયેલા આંકડાઓ મુજબ છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને પ.૦૩ ટકા થયો હતો.