શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક કાપડની માર્કેટમાં આજે તારીખ 10 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશકરો દોડી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગી
- સવારે 8 વાગ્યે લાગી હતી આગ 22 જેટલી ફાયરની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે
- ફાયરની બે હાઇડ્રોલિક ગાડીઓ મારફતે પાણીનો મારો ચાલવામાં આવી રહ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લિફ્ટ માં લાગી હોવાનું જાણવા મળ્યું છે જે ઝડપથી સાતમા માળ સુધી પ્રસરી હતી. અંદાજે 20 જેટલી દુકાનો આગમાં સપડાઈ હોવાની વિગતો મળી રહી છે.
આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ સુરત મનપા સંચાલિત 9 ફાયર સ્ટેશનમાંથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાશ્કરોએ આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની રહી છે તે ઉપરાંત સિન્થેટિક કાપડનો જથ્થો હોય જેથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત કરવી પડી રહી છે.