પાલિકાની કામગીરી સામે રોષ
પ્રતિનિધી ગોધરા તા.09
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો ત્રાસ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં શ્વાનોના આતંકને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગોધરા સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ જ આ ગંભીર પરિસ્થિતિની સાબિતી આપી રહ્યા છે, જ્યાં માત્ર 9 દિવસમાં 100થી વધુ લોકો શ્વાન કરડવાના કારણે સારવાર માટે પહોંચ્યા છે.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ, તારીખ 1 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધીના માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં જ શ્વાન કરડવાના કુલ 114 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓ કરડવાના પણ 9 કેસ સામે આવ્યા છે. આમ કુલ મળીને 123 લોકો પ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા છે. સરેરાશ કાઢીએ તો રોજના 12થી વધુ લોકો શ્વાનના શિકાર બની રહ્યા છે જે આંકડો ચિંતાજનક છે.
કેસની વધતી સંખ્યા વચ્ચે સારવાર અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના ડૉ. આશિષ ખરાદીએ જણાવ્યું હતું કે, “હાલમાં શ્વાન કરડવાના જે પણ કેસ આવેલા છે, તે તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા જરૂરી હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે.
શહેરમાં ઠેર-ઠેર રખડતા શ્વાનોના ટોળા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશો, વૃદ્ધો અને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. લોકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાયો છે કે ક્યારે કયો શ્વાન હુમલો કરી બેસે.
લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા જાણે આડા કાન કરી રહી હોય તેમ વર્તી રહી છે. આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા હોવા છતાં શ્વાનોને પકડવા કે તેમના ખસીકરણ માટે કોઈ નક્કર અને અસરકારક કામગીરી પર દેખાતી નથી.
આ ગંભીર સ્થિતિ અંગે ઈન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, “શ્વાન પકડવા માટેની કામગીરી હાથ ધરવા જાહેરાત આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ શહેરમાં રખડતા શ્વાનોને પકડી લેવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.”
હવે જોવું એ રહ્યું કે, નગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર ડ્રાઈવ ચલાવે છે કે પછી ખરેખર શ્વાનોના આતંકમાંથી નગરજનોને મુક્તિ અપાવે છે.