Comments

સા’બ કીધૂરસે આતે હો..

બેડરૂમથી બાથરૂમ સુધી જવાની  મારી તાકાત નહિ, પણ શૈલીએ નેપાળના મહાદેવની બાધા રાખેલી.  એટલા માટે કે, એનું પિયર જ નેપાળ..! જેથી બાધાને લીધે પિયરના પાદરનાં પણ દર્શન થયા કરે.  સાળાને ભલે ‘ધર્મ-સાળા’ નહિ કહેવાય, પણ ધર્મ-પત્નીનું તો સાંભળવું પડે..! નહિ તો નેપાળના પશુ-પતિનાથ પણ ખીજાય..! બીજાને કેવી પત્ની મળી એની ચર્ચા કરવી નથી, પણ મારી ‘શૈલી’ એટલે ચાણક્યની નાની બહેન..! ને નેપાળ એટલે અમારું પ્રયાગ રાજ.

અમારું પહેલું મિલન જ નેપાળમાં થયેલું. પિયરના આંટા-ફેરા થયા કરે એટલે તો,  દેશના દેવલા-દેવલી છોડીને એ, નેપાળના દેવની બાધા રાખે..!  દાદૂ…! બાધા  ભારી તો પડી જાય, પણ કરીએ શું..?  ટૂંકા માપના જોડામાં પગ નંખાઈ ગયા પછી ચીહાળા થોડા પડાય..? બીજું કે,એકની એક વાઈફ રહી, (અમુકને બિલકુલ નથી ) એટલે, સહન કરવું પડે બોસ..! ભલે ગામના તળાવની પાળે નહિ જવાય, નેપાળ સુધી તો લાંબા થવું જ પડે .!

મારું સાસરું છે એટલે વખાણ કરતો નથી પણ, હિમાલયની ગોદમાં આવેલા નેપાળની મુલાકાત એક વાર તો લેવા જેવી. મારી જેમ સાસરું પણ બનાવાય..! સંસારમાં ઝઘડો જ નહિ થાય. કારણ કે, એની ભાષા આપણને નહિ આવડે ને આપણી ભાષા એને નહિ સમજાય. શીખવવા ગયા તો ખલ્લાસ..! બાધા ફળવાની હોય તો ફ્ળે, નેપાળ જવાની ઈચ્છા તો ફળે..? નેપાળ એટલે ધાર્મિક ભાવનાવાળો દેશ. એટલે ત્યાંની કન્યા પણ રુદ્રાક્ષ જેવી ધાર્મિક…! પહાડોનો દેશ હોવાથી થોડા ખાડા-ટેકરા તો રહેવાના. પીણામાં ‘જેમ કોકટેલ’ આવે, એમ નેપાળમાં ઊંચા-નીચા ટેકરા અને રસ્તાઓનું કોકટેલ આવે .! જે લોકોને ઘૂંટણનું ‘ફીટનેશ’ કાઢવું હોય, એમણે એક વાર નેપાળ જવું જોઈએ..! અનુભૂતિ તો થાય કે, “જેના ઘૂંટણ ખતરામાં, એના પ્રવાસ લફરામાં..!”  

સહનશક્તિ  વધારવી હોય તો,  ખાડા-ટેકરા પણ સહન કરવા પડે મામૂ..!   બાકી,  લોકો બિંદાસ ને દેશ પણ બિંદાસ..!   કહેવાય છે કે, ‘જાત વગરની જાત્રા ખોટી..!’  જેના ઘૂંટણ દુખું-દુખું થઇ રહ્યા હોય, એ ‘હાંફા-હાંફા’ તો થઇ જાય.  શ્વાસ ઉછળી-ઉછળીને  ઊડી જવા મથતા હોય એવું લાગે. પણ ખાતરી થઇ જાય કે, આ દેહ માણસની ખુમારીથી નહિ,  શ્વાસથી ચાલે છે..! ધમણની માફક છાતી ફૂલતી હોય ને બીજી બાજુ ઘૂંટણિયાં ટણક મારતાં હોય ત્યારે, પ્રવાસમાં પણ વાસ તો આવવાની..!  છતાં આનંદ આવે..! એ વખતે કદાચ એવું પણ લાગે કે, નેપાળને બદલે, નવસારી જઈને વલ્લભ મીઠાની ખમણી ખાઈને આવ્યા હોત તો સારું થાત..! પણ નિરાશ નહિ થવાનું મામૂ..! ખુમારી રાખવાની કે, ‘યે ખુદા  હમે કિનારે પે મત લે જાઓ, વહાં લે જાઓ, જહાં તુફાન ઊઠતે હૈ..! તંઈઈઈઈ..!

ઘૂંટણિયાં બહારથી ભલે દરિયાના ટાપુ જેવા લાગે, પણ અંદરથી સાવ તકલાદી પણ હોય. નાળિયેર, વહુ અને જમાઈ અનુભવે જ ઓળખાય એમ,  ઘૂંટણિયા પણ ફરવા નીકળો તો જ ઓળખાય..!  ખાડા-ટેકરા જોઇને મગજમાંથી ધુમાડા કાઢવા માંડે. શરૂ-શરૂમાં  તો સરસ જોમ બતાવે, પછી battery law થવા માંડે. પલાંઠી વાળીને એવાં બેસી જાય કે, ધારેલાં  અરમાનો બરફ થવા માંડે. ઘૂંટણ પણ ઘુંટણિયો પડવા માંડે.  પારકા દેશમાં  એવું તો કહેવાય નહિ કે, ‘કોઈ મને ઊંચકી લો  પ્લીઝ..! છેક ઉંચકાય ગયા તો..? ડર લાગે યાર..? એટલે તો અમે દિલ્હીથી નેપાળ ચાલતા  જઈએ જ નહિ. વિમાન  જ ભાડે કરી  લઈએ..!  ને વિમાનમાં પણ ચાલવાની પ્રેકટીસ ચાલુ રાખીએ .! તોઓઓઓ..? મારાં સાસરિયાં થાય એટલે વખાણ કરતો નથી પણ નેપાળી સારા અને ખમીરવંતા પઅઅણ..! આપણે ત્યાં અમીરી  ખમણ વખણાય, એમ નેપાળીઓની ખમીરી વખણાય. પ્રત્યેક નેપાળી આપણને પોતીકો લાગે. આ લોકો આપણા લથડતા ઘૂંટણ જોઇને તરત કહી દે કે,

‘સા’બ  ગુજરાતસે આતે હો ક્યા..?
મેં કહ્યું, ‘તમને કેવી રીતે ખબર પડી..?’
મને કહે, ‘આપકા ટાપુ જૈસા પેટ દેખકર..! આપ ભી હમરે માફિક ‘દાલ-ભાત’ બહુત ખાતે હો ને..?’
ખોંખારો ખંખેરતાં મેં પણ કહ્યું, ‘સહી બાત હે..! હમ ગુજરાતસે આતે હૈ સા’બજી..!’ 
આટલું કહ્યું  એમાં તો, એના મોંઢામાં અગાઉથી મધમાખીએ મધપુડો બાંધેલો હોય એમ, જીભમાંથી મધ ઝરવા માંડ્યું. મને નેપાળી ભાષામાં કહે,
“કે કુરા ગર્દ હુનુહુન્છ ? કે તપાઈ હામ્રો મોદી સાહેબકો દેશબાટ આઉન્દે હુનુંહુન્છ..? મોદી સાહેબ હામ્રો પનિ મનપરને નેતા હુનુહુંન્છ..!”  અર્થાત્, ‘શું વાત કરો છો? અમારા મોદી સાહેબના દેશથી આવો છો..? મોદી સાહેબ તો અમારા પ્રિય નેતા છે..!’

કોલેજમાં સાથે ભણેલી ને ગમતી છોકરી એના બચ્ચા સાથે અચાનક ભેટી જાય ને જેવી ‘ગુદગુદી’ થાય એવી ગુદગુદી મને એની વાતથી થઇ..!” અમે બંનેએ પેટ થેપીને ‘ચીયર્સ’ કર્યું.  ભેટી  પડ્યા દાદૂ..! જાણે નેપાળ ને ભારત એકાકાર થઇ ગયું..! મેં પણ ભગવાનને Thank you કહ્યું કે, રશિયા-યુક્રેન-અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં ટપકાવવાને બદલે, અમને ભારતમાં ટપકાવ્યા બદલ આભાર. અમારામાં એકેયની છાતી ૫૬” ની નહિ, છતાં ઈજ્જત  નરેન્દ્ર મોદી સાહેબ સાથે કરે એટલે ભારતમાં જન્મ્યાનો ગર્વ તો થાય જ ને..? પછી તો ધોળામાં ધૂળ નહિ પડે એ માટે અમે પણ સાવધ થઇ ગયા.  વેફર ખાઈને ગમે ત્યાં રેપર ફેંકવાની મઝા જ  નહિ આવી. જમાઈ રાજને  સાસરામાં ટહેલ કરવાનો ટેસડો આવી ગયો..!

આ એક એવો દેશ છે કે, કોઇ પણ નેપાળીને નામ પૂછો તો તેમના  નામમાં ભગવાનનું નામ હોય..! એમનાં નામો રગડા પેટીસના લપેટા જેવા નહિ લાગે. તમને ખબર છે, અસ્સલ કેવી રીતે નામ પાડતા..? સોમવારે જન્મે તો સોમલો, મંગળવારે જન્મે તો મંગળિયો, બુધવારે જન્મે તો બુધિયો, ગુરુવારે જન્મે તો ગુરિયો, શુક્રવારે જન્મે તો શુક્કરિયો ને શનિવારે જન્મે તો શનિયો  નામ પાડતા.  રવિવારે જાહેર રજા હોય, છતાં પણ કોઈ ટપકી પડે તો. રવલો કે રવીન્દ્ર નામ રાખતા..! આજે તો નામ જ એવા અટપટાં કે,  દાંતનું ચોગઠું ચઢાવ્યા વગર, દાંત વગરનાથી તો બોલાય જ નહિ..! ફાંફા પડી જાય..! અર્જુનનો રથ ભગવાન શ્રીકૃષ્ણે હાંકેલો  એ બધાને ખબર છે. પણ અમારો ડીઝલનો રથ (જીપડું) રામ હાંકતો હતો. અમારો ડ્રાઈવર અમારો સારથિ હતો. એના  પિતાનું નામ દશરથ હતું કે નહિ એની ખબર નથી,  પણ અમારા ડ્રાઈવરનું  નામ ‘રામ’ હતું…!

લાસ્ટ બોલ
નેપાળીમાં  એક જ નબળાઈ, સમય સાથે જીભાજોડી ઓછી કરે. હસ્તમેળાપનો સમય જાય તેલ પીવા, એ સમયે ઘરમાંથી જાન પણ કાઢે..!  શાંતિના જીવ. દોડાદોડી નહિ ફાવે.
એક નેપાળી-નોકર  ભારતીય શેઠની દુકાને મોડો પહોંચ્યો, તો શેઠે તતડાવ્યો, ‘‘કેમ મોડું કર્યું?’’   પેલો કહે ‘‘શેઠ, આવતો હતો ત્યાં રસ્તામાં એક બોર્ડ વાંચ્યું, “ ધીરે ચાલો’’ ..! આગળ નેપાળ છે. એટલે ધીરે ધીરે ચાલ્યો.
 તારા કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top