કરોડોના ખર્ચે બનેલા ખાડામાં ગટરના પાણી ભરાયા: પાલિકા અને રેલવે તંત્રના પાપે પ્રજા પરેશાન
શહેર મધ્યે રસ્તો બંધ થતાં વેપાર-ધંધા અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર
પ્રતિનિધી ગોધરા તા.08
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં શહેરા ભાગોળ રેલવે ફાટક પર બની રહેલા અંડરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગતિએ ચાલતી હોવાથી સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. અધૂરા કામ અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી કંટાળેલા અસરગ્રસ્ત નાગરિકોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક કામ પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

સ્થાનિકોની રજૂઆત મુજબ, આ અંડરબ્રિજનું ખાતમુહૂર્ત ત્કાલીન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કામ શરૂ થયાને ૩ વર્ષ થયા છતાં અત્યાર સુધી માત્ર રેલવે લાઈન નીચે બોક્સ નાખવાનું જ કામ થયું છે. છેલ્લા એક વર્ષથી તો કામગીરી સાવ બંધ હાલતમાં છે.
પાવર હાઉસ બાજુની તૂટેલી ગટરોનું ગંદુ પાણી સીધું અંડરબ્રિજના ખાડામાં ભરાઈ રહ્યું છે. નગરપાલિકા, પી.ડબલ્યુ.ડી. અને રેલવે તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ૬ મહિનાથી માત્ર ખાડામાંથી પાણી ઉલેચવાની કામગીરી ચાલે છે જેના કારણે લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે પણ કાયમી ઉકેલ આવતો નથી.
આ કામગીરીને કારણે ગોધરા શહેર જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. રસ્તો બંધ હોવાથી સોનીવાડ, સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે. ઉપરાંત તીરગડવાસ, કુંભારવાસ, ભોઈવાડા અને રેલવે વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નૂતન હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલ જેવી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને અને સિનિયર સિટીઝનોને ફરજિયાત લાંબો ફેરો ફરવો પડે છે.રજૂઆતના અંતે નાગરિકોએ માંગ કરી છે કે, જિલ્લા કલેક્ટર જાતે સ્થળ મુલાકાત લે અને લગતા તમામ વિભાગોને સૂચના આપી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. જો વહેલી તકે કામ પૂર્ણ કરે.