6 ડિસેમ્બરે નાથકુવા-જીતપુરાના ગ્રામજનો જીવ બચાવવા હિજરત કરી ગયા બાદ કંપનીએ ઘટનાને ‘મોકડ્રીલ’ ગણાવી: વહીવટી તંત્ર અજાણ હોવાનો કોંગ્રેસનો દાવો
૨૦૨૨માં થયેલા બ્લાસ્ટમાં ૮ લોકોના મોત થયા હતા, છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
પ્રતિનિધી ગોધરા તા.08
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિ. (GFL) કંપનીમાં છાશવારે બનતી ગૅસ ગળતરની ઘટનાઓથી સ્થાનિક પ્રજા ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. આ સિલસિલામાં ગત ૬ ડિસેમ્બરના રોજ થયેલા ગૅસ લીકેજને કંપની દ્વારા ‘મોકડ્રીલ’માં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી કંપની તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તારીખ ૦૬/૧૨/૨૦૨૫ના રોજ વહેલી સવારે કંપનીમાંથી ઝેરી ગૅસના ધુમાડા નીકળતા નાથકુવા અને જીતપુરા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગભરાયેલા ગ્રામજનો પોતાના પશુઓને છૂટા મૂકી બાળકોને લઈને ઘર છોડી ભાગી ગયા હતા અને ૫-૬ કલાક બાદ સ્થિતિ થાળે પડતા પરત ફર્યા હતા.

આ ઘટના બાદ કંપનીએ જાહેર કર્યું હતું કે આ એક ‘મોકડ્રીલ’ હતી. જોકે, કોંગ્રેસે આ વાતને ઉપજાવી કાઢેલી ગણાવી છે. કોંગ્રેસની દલીલ છે કે જો મોકડ્રીલ હોત તો જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી હોવી જોઈતી હતી અને ગ્રામજનોને જાણ કરવી જોઈતી હતી પરંતુ તંત્ર આ બાબતથી અજાણ હતું. કંપનીએ માત્ર પોતાની ભૂલ છુપાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા આ તૂત ઊભું કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
રજૂઆતમાં કંપનીના કાળા ઈતિહાસને પણ ટાંકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨માં થયેલા બ્લાસ્ટમાં ૮ લોકોના મોત થયા હતા. ત્યારબાદ તાજેતરમાં ૧૦ સપ્ટેમ્બરના રોજ પણ બે લોકોના મોત થયા હતા. આમ છતાં તંત્ર દ્વારા કંપનીને છાવરવામાં આવતી હોવાનો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.
જો તાત્કાલિક ધોરણે આ કંપની સામે કડક કાર્યવાહી કરી તેને બંધ કરવામાં નહીં આવે તો ભયભીત ગ્રામજનો સ્વયંભૂ કાયમી હિજરત કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોના જાન-માલની સુરક્ષા માટે આ કંપની બંધ થવી અત્યંત જરૂરી છે.